Saturday, 29 April 2017

ગીત

*** ગીત ***
          "વતન"
ઊંચા ઊંચા ટેંકરાને,વગડો ભરપૂર,
વડલાં ઘેઘુરને,નદીયુંમાં પૂર,
એવા વતનમાં મારે જાવાનું આજે.

વનરાઈ જેવી વેલી,ને એમા મારી ડેલી,
ચરવા ગયેલ ગાય,આવે જ્યાં વ્હેલી,
એવા વતનમાં મારે જાવાનું આજે.

ટેણીયાંનું ટોળું જ્યાં,ને મદારીનો ખેલ,
કલબલ કલશોર વચ્ચે શાળાનો બેલ,
એવા વતનમાં મારે જાવાનું આજે.

કૂવાને કાંઠે,પનિહારી હોય જ્યાં સાંજે,
નાની કો' છોકરી ઠીકરાં જ્યાં માંજે,
એવા વતનમાં મારે જાવાનું આજે.

ગોધૂલી ટાણે જ્યાં,સરવરની પાળે,
ગોવાળોનું ગીત જ્યાં,ગાયોને વાળે,
એવા વતનમાં મારે જાવાનું આજે.

માતાનો પ્રેમ જ્યાં,બેનીનું હેત,
પીવા મળે છે મને,ભરી ભરી વેંત,
એવા વતનમાં મારે જાવાનું આજે.

વતન વિના વાયા,વર્ષોના વાણાં,
હુંય હવે ગણગણીશ,ખેતરમાં ગાણાં,
એવા વતનમાં મારે જાવાનું આજે.

@નટ્વર ટાંક   જૂનાગઢ.

No comments:

Post a Comment