પ્રેમને તારા જરા તો પામવાની વાર છે,
તારી 'ના'ને દિલથી પાછી 'હા' થવાની વાર છે!
પ્રશ્ન ક્યાં આરામ કરવાનો તો છે હંમણાં જરા ,
દોસ્ત, મંઝિલને હજી તો આંબવાની વાર છે !
કોઈના મનને પછી હું તો જીતી પણ શકું ,
હા, હજી તો આ મનને મારા જીતવાની વાર છે.
એ લખી એણે હશે એની રીતે, પણ બાકીની
જિંદગીને મારી રીતે ધારવાની વાર છે!
ઓળખાશે એ પછી થોડી તને, તું રાહ જો !
આ કૃતિને તારી તો આકારવાની વાર છે !
હું લખું તો છું ગઝલ, પણ લાગે છે એવું મને,
શેરિયતને તો ગઝલમાં લાવવાની વાર છે !
મારી તું તો થઈ જવાની છે સદા માટે, પ્રિયે !
પ્રીતના આ છોડને બસ, વાવવાની વાર છે !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment