Monday, 8 May 2017

ગીત

***
માનું ગીત...??

આખેઆખી એ મારામાં ને હું એનામાં....
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા...!!

ભાર ભાવથી ઉંચકી પુલકિત થઇ હરખાતી
પિંડને પોષવા પોંખવામાં પંડને વીસરી જાતી
જાગતી રહેતી  ખુદ મુજને પોઢાડી નીંદરમાં..
આખેઆખી એ મારામાં ને હું એનામાં....
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા...!!

ભર્યું ભાણુ ખવડાવી સૌને વધ્યું ઘટ્યું એ ખાતી
મોડી સુતી તો પણ સૌથી વહેલી ઉઠી જાતી
ચતુર્ભુજ થઈ ફરી વળતી એ સીમ ઘર ખેતરમાં...
આખેઆખી એ મારામાં ને હું એનામાં....
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા...!!

ભણેશરી દીકરાની સગવડ માટે એ ખર્ચાતી
ફાટેલા સાળુનો વિંઝણો ટાઢક કરવા વા'તી
દળણું દળતી પાણી સીંચતી વહેલી સવારમાં
આખેઆખી એ મારામાં ને હું એનામાં....
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા...!!

હવે નેજવે હાથ રાખીને વાટ જુએ છે રોજ
શહેર વસતાં વસ્તારના વિરહનો ઉંચકે છે બોજ
મૂડી સાથે વ્યાજ પણ કપાય ગયું વળતરમાં ..
આખેઆખી એ મારામાં ને હું એનામાં....
પિંડ બન્યો'તો મારો જેનામાં એ છે મારી મા...!!
-પ્રકાશ પરમાર (સુરત)

No comments:

Post a Comment