Friday, 2 June 2017

2 ગઝલ

નવી દુનિયાનો માણસ છું વિચારો હું બધા રાખું,
નવા સામે નવા રાખું, જૂના સામે જૂના રાખું.

મજાની રાહમાં છું હું મજાથી આપ કંઈપણ તું
દરદ આપે દરદ રાખું, દવા આપે દવા રાખું. 

બધુએ મારા અંધારામાં રાખું છું યથા સ્થાને
સૂરજ સાથે સૂરજ રાખું, દીવા સાથે દીવા રાખું.

જે મનમાં હોય છે એને જ જીભે સ્થાન આપું છું,        .
ટીકા નામે ટીકા રાખું, દુઆ નામે દુઆ રાખું.

નથી છીનવી મેં સંગતની મજા કોઈની પાસેથી
ઝરા પાસે ઝરા રાખું શિલા પાસે શિલા રાખું

ગઝલસર્જક છું હું છંદો મુજબ ભગવાન બદલું છું
પ્રભુ બેસે પ્રભુ રાખું, ખુદા બેસે ખુદા રાખું.

...હેમંત કારિયા

જો કોઈ આવે મારી પાસ વરસાદી અસર પહેરી
તો પલળી જાઉં છું હું એકદમ એની નજર પહેરી

હતી આંખોને કંઈ પહેરીને ફરવાની બૂરી આદત
જો સપનાં ના મળ્યાં તો કોઈની ગમતી નજર પહેરી

સહારો એક ખુદનો હો તો પૂરતું છે ઝઝૂમવામાં
કે એને ચપ્પલોની શું જરૂર જેણે ડગર પહેરી

હવા દરિયો છે, ફોરમ નાવ છે ને મન ખલાસી છે
ફગાવ્યાં વસ્ત્ર દુનિયાનાં, બગીચાની અસર પહેરી

મરીઝ બેફામ જેવા તો ગઝલના સંત જેવા છે
ગઝલની સાધનામાં લીન થઈ સૂતા કબર પહેરી

                                        ....હેમંત કારિયા

No comments:

Post a Comment