Friday, 2 June 2017

૨ ગઝલ

ગઝલ ... હેમંત ગોહિલ "મર્મર "

આખા નથી રાખ્યા કદી અડધા નથી રાખ્યા ,
વચ્ચે અમારી ,ક્યાંય પણ પડદા નથી રાખ્યા .

માળા અમે પણ ફેરવી છે રાત -દી સંતો !
પણ એ ખરું ; એમાં અમે મણકા નથી રાખ્યા .

ચૂલો નથી આ જાત છે :સૌ જાણતા તોયે ,
કોણે બતાવો ભીતરે ભડકા નથી રાખ્યા ?

તું દે ઘસરકો ને ચકાસી જો મને આજે ,
દીવાસળીની જેમ મેં તણખા નથી રાખ્યા .

સાદાઇને કાંતી છે લોહી તાંતણા સાથે ,
ઘરમાં ભલે એણે કદી ચરખા નથી રાખ્યા .

એનો નથી એવો અરથ કે હું નથી આવ્યો ,
રસ્તે ભલે મેં ક્યાંય પણ પગલાં નથી રાખ્યા .

થોડો મલાજો એય જાણે છે ભલા નભનો ,
આ ડાળખીએ પાંદડાં અમથા નથી રાખ્યા !

એને ગહનતા કોતરોની ભીતરે ખોઈ ,
ને એટલે મેં શબ્દમાં પડઘા નથી રાખ્યા

ગઝલ _____________ હેમંત ગોહિલ "મર્મર "

ક્યાં કહું છું ના કદી દબદબો રાખવો ,
દોસ્ત ! રડવા એક સાદો ખભો રાખવો .

એ બહાને રોજ એ યાદ રાખે પછી ,
સ્હેજ ઈશ્વરની ય સાથે  ડખો રાખવો .

ફૂટવા દીધી છે કૂંપળને મોસમ મુજબ ,
જીવને લ્યો ,ક્યાં લગી ભૈ, ગગો રાખવો !

આપણું અકબંધ છે એવું  ભૈ,માનવું ,
ફાટલા ખિસ્સેય થોડો મજો રાખવો .

વ્હેણમાં ઊભા જ છો હાથ પકડી તમે ,
ના ભરોસો લેશ માટીપગો રાખવો .

સૌ ગઝલની નાતમાં આવકારે પછી ,
ઘાવ જાણીતો જ નહી; સગો રાખવો .

રાત વીતી જાય ક્યારે કહો શી ખબર ?
સૂર્યને ઘરમાં સદા સાબદો રાખવો .

No comments:

Post a Comment