Friday, 2 June 2017

ગઝલ

=×=×= એક ત્રિપદી - સખીડા =×=×=
લે, આ લખ્યો તારા નામે જીવ હવે તું કંઈ તો ક્હે !
પાક્કા પાયે મળવાનું છે સાત ભવે તું કંઈ તો ક્હે !

તું ખણખોદી લેજે મારી આખી આ જાત, સખીડા,
તારા નામે રોજ મહેંકતી ઈચ્છાની રાત, સખીડા.
અણમોલ જણસ શ્વાસોની મૂકું ગિરવે , તું કંઈ તો ક્હે !

ખાલીખમ બે હેલ પડી તે ભાર કરે છે છાતી પર,
દૂધમલ ઘોડે આવ બની તું ભર-વરસાદી કારીગર.
આથી ઝાઝું આ પ્રેમિકા શું વિનવે, તું કંઈ તો ક્હે !

મંઝિલ મંઝિલ રસ્તા રસ્તા રમતા રમતા પહોંચીશું,
કઈક મુકામો છોડી દેશું, કઈક મુકામે ફાવીશું.
રોજ સવારે આ જોગણ સપનાં સૂકવે, તું કંઈ તો ક્હે !
== મંથન ડીસાકર (સુરત)

No comments:

Post a Comment