આ સમયનું છે પળ સરનામું ,
ને ભાવિનું અટકળ સરનામું !
મોતી મળશે મરજીવાને,
ડુબકીનું છે તળ સરનામું !
પૂરી ન થવાની જન્મો લગ,
છે તરસનું મૃગજળ સરનામું !
લખજે પત્ર પધારે વહેલો.
વર્ષાનું વાદળ સરનામું !
ના જોવા મળશે ધરતી પર,
જળચરનું તો જળ સરનામું !
ન પ્રણય થઈ શકશે, જો ના હો
ગત ભવનું અંજળ સરનામું !
ના મહેનત વિના મળશે કંઈ,
છે ખેડુતનું હળ સરનામું !
પત્ર લખ્યો તો છે પ્રભુને, પણ
લખવું શું પાછળ સરનામું !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment