Friday, 16 June 2017

૪, ગઝલ

[6/12, 5:30 PM] Bharat Bhatt: આપણે પંખીના ચાળા કાઢવા
કંઠમાંથી   કેમ  ટહુકા  કાઢવા ?

જળ વલોવાતુ રહે જળની ભીતર
જળની  અંદરથી  ધુમાડા  કાઢવા

આગને બાળી દીધી છે આગમાં
રાખમાંથી કેમ તણખા કાઢવા ?

પૃથ્વીના આ પોપડા પર પાલખી
પગને ક્યાં પૂછે છે કાટા કાઢવા

હે, હવા  તારા  ભરોસે  આપણે
તુંબડા લઈ તરવા દરિયા કાઢવા

પોતપોતાનું ગણે આકાશ સહુ
આભ વચ્ચે કેમ લીટા કાઢવા

જળ,જમીન,આકાશ, અગ્નિ ને હવા
ચાકડા   માથે  ઘડૂલા   કાઢવા

       ભરત ભટ્ટ
[6/12, 5:30 PM] Bharat Bhatt: હે,ગઝલ તારી ગજાના કાઢવા,
કાફિયા ક્યાંથી મજાના કાઢવા.

ઝૂંપડીમાં જઈને ભાજી ખાય જે,
ઈશ્વરો   એવી   ધજાના   કાઢવા.

આપણે  છીએ  રહીશું ને  હતાં,
ખ્યાલ ખોટા આવ-જાના કાઢવા.

જેટલા દિવસો તમે તમને ભૂલો,
એટલા દિવસો રજાના  કાઢવા.

કેટલી પીડા કહો,વસમી હશે,
ઘાવ ઊન્ડા કાળજાના કાઢવા.

    ભરત ભટ્ટ
[6/12, 5:30 PM] Bharat Bhatt: આ રમત,પેલી રમતને શું કરું,
મિત્ર, તેં મૂકી મમતને  શું  કરું.

છે  કલમ  બુઠ્ઠી  અને  સંવેદના,
આંગળીઓ જડભરતને શું કરું.

આપણી વચ્ચે સતત ઝૂરી રહી,
આ ત્રિભેટે એ  શરતને  શું  કરું.

તારે કાજે જે સમય ગાળું નહીં,
એ વખત હા,એ વખતને શું કરું.

લે તને સાષ્ટાંગ હું  ઘૂંટ્યા કરું
શબ્દની આ આવડતને શું કરું

          ભરત ભટ્ટ
[6/12, 5:30 PM] Bharat Bhatt: આજના વરસાદમાં ઘાવર નથી,
મન ભીંજે એવું કશું નવતર નથી.

નીડમાં ચકલી  ડરીને  બેસી  ગઈ,
એની પાસે બીજું કંઈ વસ્તર નથી.

દેડકાં નીકળી  પડ્યા  બચ્ચાં લઈ,
એમ સમજો કે એને કોઈ ઘર નથી.

રાતભર તમરા  સિસોટી  મારતાં,
દિલ એનું પાષાણ કે પથ્થર નથી.

એક તું વરસાદમાં ભીંજે નહીં,
એક તું કે જેને કંઈ થરથર નથી.

            ભરત ભટ્ટ

No comments:

Post a Comment