Wednesday, 7 June 2017

૨, ગઝલ

એક સાથે બે ગઝલ
સંજુ વાળા

આ યંગ છોકરા-છોકરીઓ (અને આધેડ તથા વૃધોએ પણ) એ ગમતાને ઈનબોક્ષમાં મોકલવા માટેની ગઝલો છે.

1.. તને રાજા

અંગો   બિછાવી  વ્હાલથી  વરશું  તને રાજા
ઓવારણે    'ને    આંસુડે   ફળશું   તને રાજા

તારી ક્ષણેક્ષણમાં  સતત  ઊગીને આથમશું
આઠે   પ્રહર   આકંઠ    સાંભરશું   તને  રાજા

અરધી કળાથી પ્રગટે તો અરધા જ ઊઘડશું
આઠમના  અરધા ચંદ્ર,  જીરવશું  તને રાજા

કંકાવટી    કેસરની   લઈને   વાટ  નીરખશું
તું  આવ તો, પહેલું  તિલક  કરશું  તને રાજા

વનવેલ  થઈને  મ્હોરશું, 'ને  ફાલશું,  ફળશું
નમતી   પરોઢે   છેક   પરહરશું   તને  રાજા  

મૌસમના  નવલાં  ધાન્ય  જેવી ખેવના કરશું
ઝીણા જતનથી  નિત્ય  જાળવશું તને રાજા

થઈને   અષાઢી   સાંજ  તારા   રસ્તે  ઘેરાશું
કલહાસ  'ને   કેકાથી   કરગરશું  તને  રાજા

2... તને રાણી

વરસાદી  સ્વપ્નો વચ્ચેથી  હરશું  તને રાણી
નિત નિત નવું  વરસીને ભીંજવશું તને રાણી

હૈયે    ઠરી   હળશું  અને  મળશું  તને રાણી
ખોવાઈ   જઇશું  'ને  ફરી  જડશું તને રાણી

સૌ  ટાઢ - તડકા,  વાયરાને  ખાળશું, ખમશું
સૌહાર્દના   છાયામાં   છાવરશું   તને  રાણી

એકાંત,  અંગતતા  બધું  અર્પણ  કરી દઈશું
મેળા,  મહોત્સવ  જેમ  ઉજવશું તને રાણી

પંડિત-પુરાણીએ કહ્યું : છે પાણીનો તું  પિંડ
તો  પાણી-પાણી  થઈને  વિનવશું તને રાણી

વ્હેલી  પરોઢે   થઈ   નવું   નક્ષત્ર   ઊગે   તું
ત્યાં  જાગરણ  જેવું  જ  સાંપડશું તને રાણી

ચંપા - ચમેલી  જેમ  તારી   વેણીએ  મહેકી -
કરમાઈ  જાશું   તે  છતાં  ગમશું  તને રાણી

કવિતા.. મે-જૂન 2017

No comments:

Post a Comment