-:ગાંઠ :-
શમણાંના છેડે પૂંગવાના
પ્રવાસ માટે
ભેગા કરેલા સમયની
મુશ્કેટાટ બાંધેલી ગાંઠોને
જિંદગીની જાળીમાં સમેટી
ખભે ચડાવી
ખરબચડી ગાંઠો, જાળીના કાણામાંથી
ખભે ખૂબ ખૂંચતી રહી, પણ
સંભાવનાને આશાની લ્હાયમાં
આ ભાર વેંઢારવો જ હતો
ખબર નહી શું અને કેટલું
કે પછી ઘણું બધુ વિતતું ગયું
જિંદગીના પડદે
એક ભૂમિકા ભજવવામાં
સંવેદના, ધીરે ધીરે
પોતાનું હોવાપણું ગુમાવતી રહી
અપેક્ષાઓના ઉપલા થર પર
વારે ઘડીએ ઊગી આવી
અભિમાનની એક ગાંઠ
ને પોષતી રહી શંકાની ગાંઠને
આશંકાનો વાવટો લઈ , ઉઠતી રહી
કુશંકાનો પડઘો પાડતી એક ગાંઠ
સર્વશ્રેષ્ઠની એકલતા
આત્મમુગ્ધની ગાંઠ પર
ચપોચપ બેસી ગઈ
સ્થિતિ એ આવી કે
એકમેકમાં મળેલી આ
વિસંગતિઓથી
અનુભૂતિની તરલતાને
કાટ લાગી ગયો
હવે મન વિચારવા પર
મજબૂર બન્યું છે કે
નક્કી ક્યાંક આ
સમય અને જિંદગીની
કપટ-યોજના તો નહી હોય ને ????
♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡♡
©હેમશીલા માહેશ્વરી "શીલ"
No comments:
Post a Comment