મોહમાયા તું લગાડી જાય છે,
નેહમાં આ ખોળિયું જો ન્હાય છે.
તું લજાતી, આપણી નજરો મળે,
ફૂલથી યે તું વધુ સોહાય છે
તું હસે, કુદરત હસે ખુલ્લા મને,
તું રિસાતા, પ્રકૃત્તિ કરમાય છે.
રૂપ તારું કેટલું આ...હા દિસે,
જામ નજરો થી અહીં પીવાય છે
જે દિવસ ના તું દિસે શમણાં મહીં,
એ દિવસ મારો નકામો જાય છે.
ફૂલ શી કોમળ છે મારી લાગણી,
જો નજરમાં તારી એ પડઘાય છે.
ડો જિજ્ઞાસા
હું, ગરીબી ને સમય સંધાય છે,
છેડલા બે માંડ લે જોડાય છે.
એક થાકે ખોળિયું જ્યારે ગૃહે,
પાંદડે બે તોય ઘર ના થાય છે.
સૂકલકડી કાય શું શુ વેંઢરે?
એક આખું ઘર ખભે ખેંચાય છે!
હાથ આ છે રુક્ષ તેથી શું થયું?
છે ગરીબી વિસ્તરી એ ઝાંય છે.
જેટલાં થીગડ બધા દેખાય છે,
પેટના ખાડા જરી ઢંકાય છે.
માનવંતી આ ગરીબી અમ તણી,
છાપરે બેસી અને પડઘાય છે
ફાળિયું નિતરે અહીં ચિક્કાર જો,
રંક પ્રસ્વેદે સદા જો ન્હાય છે!
ડો જિજ્ઞાસા
આ જગત માં દંભ લે પે'રાય છે
આંચળો આભાસનો ઓઢાય છે!!
નામ કાયમ દઇ પ્રભુનું લૂંટતો,
માલ-મલિદા ઘર ભણી જો જાય છે.
લે ગયાં ત્રેપન અને ટીલાં કરે!
માંહ્યલો દંભી બની ફૂલાય છે.
આશ ના રાખીશ તું ઈમાનની,
માનવી ચોરે અહીં વેંચાય છે.
ટળવળે બાળક, ધરાને ચાટતું,
ને પ્રભુને ભોગ જો ઠલવાય છે
શોભતી વિદ્યા વિનયથી, જાણ છે
પણ ભણેલો કેટલો ફૂલાય છે!!!
હું વિચારું જીવવા નીતિ તણું,
પણ રિવાજે જાત જો વટલાય છે.
ડો જિજ્ઞાસા
No comments:
Post a Comment