આવી પરત કિનારે પછડાય છાશ વારે,
મારા પ્રયાસ નિષ્ફળ કાં જાય છાશ વારે?
હું તાગવાને દરીયો ભીતર જવા મથું તો-
મોજાને રામ જાણે શું થાય છાશ વારે??
માણસ મળે નહી ને ભગવાન શોધવાનો!!
પથ્થર પછી ગલીના લોભાય છાશ વારે.
કંઈ તો નવુ બહાનુ બોલાવવાનું આપો,
સરનામુ એ જ થોડુ પુછાય છાશ વારે??
બેઠા થયા દુશાસન આજે ફરી ધરા પર,
ને ચીર સંસ્કૃતિના ખેંચાય છાશ વારે.
ક્યારેક ઊંઘ ઉઠે લોહીલુહાણ થઈ ને,
તલવાર જેમ સપના વીંજાય છાશ વારે.
"ગોપાલ" એની આંખોમાં લપસી એ પડે ને-
દિલ મારૂ ઢીંચણેથી છોલાય છાશ વારે.
કોટક ધાર્મિક " ગોપાલ "
No comments:
Post a Comment