જાગ્યા બસ, સપનાની વચ્ચે,
ખોવાયા ભ્રમણાની વચ્ચે !
આવો ઘર તો મળશું ક્યારેક,
મળવું શું રસ્તાની વચ્ચે ?
માણસ ઝોલા ખાતો રહેતો ,
સત્ય અને અફવાની વચ્ચે !
જીવાયું છે જીવન કાયમ,
ઘટના, દુર્ઘટનાની વચ્ચે !
ના ગમતું કોઈને રહેવું ,
આ લક્ષ્મણરેખાની વચ્ચે !
જાણે કોણ લખાયું શું છે ?
હાથોની રેખાની વચ્ચે !
શોધો, ક્યાં ગઈ નદી આખી ?
એ તો હતી નકશાની વચ્ચે !
એથી આભારી છે જીવન,
એ ખીલ્યું પીડાની વચ્ચે !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment