વાળી બેઠા : તરહી
જાણે શું યે ભાળી બેઠા!
કે પોતાને બાળી બેઠા!
પાનખરોનું તો શું કહેવું?
ફૂલો સૂકી ડાળી બેઠા!
ઘઉંની સાથે કંકરને પણ
એક ચારણે ચાળી બેઠા!
ઝેર અને અમૃતને બોલો
એક જ ગળણે ગાળી બેઠા!
આંખ મહીં ઉભરાઈ ગયેલાં
ભીનાં સ્વપ્નો ખાળી બેઠા!
જે રસ્તો મંઝિલ પ્હોંચાડે
એ રસ્તાને ટાળી બેઠા!
ક્યારે યે જે ના ફળવાની
એ ઈચ્છાને પાળી બેઠા!
એક પટોળું હજાર સળનું
એ જ પટોળું વાળી બેઠા!
ચેત મછંદર ગોરખ આયા
સાધુ પણ સંભાળી, બેઠા!
બંધ બારણું ખોલી, જોઉં:
અંદર તો વનમાળી બેઠા!
હરિયાએ પગલાં પાડ્યા જ્યાં
એ આંગણને વાળી બેઠા!
- હરિહર શુક્લ
૦૪-૦૭-૨૦૧૭
(તરહી રદીફ કાફિયા : લાલજી કાનપરિયા)
No comments:
Post a Comment