Friday, 14 July 2017

ગઝલ

@⁨Vipul Mangroliya⁩

બદનસીબીનાં જે કોઈને તમાચા લાગે છે,  
એક નાનકડો ઉઝરડો, કારમો ઘા લાગે છે.

ઠેકઠેકાણે અહીં સળગે મહાભારત હજી  
કૌરવોની જેમ સૌનાં કાન કાચા લાગે છે.

એક બાળક એટલાં વિશ્વાસથી લખતું રહ્યું , 
જાણે કે પોતેજ પોતાનું  વિધાતા લાગે છે.

રાહ લાગે છે મને તારાં જ ઘરની આ હવે, 
જે મને સામે મળે છે આજ સારા લાગે છે.

સ્હેજ પણ ઘરડાં થયાં નાં ચાંદ ને સૂરજ હજી, 
રોજ ક્ષિતિજ પર જઈ ઝાકળ થી ન્હાતા લાગે છે.

એટલે પાછો ફર્યો ઈશ્વરનાં દ્વારેથી હું પણ, 
દુ:ખ હવે ઈશ્વરનાં, મારાથી સવાયા લાગે છે.

આગમન ટાણે રૂદન ને હાશ હો અંતિમ પળે,
બસ બે પળ ને બાદ કરતાં સઘળી માયા લાગે છે.

જ્યારથી મારીજ અંદર હું મળ્યો છું ત્યારથી, 
આયના "વેદાંત", જગનાં સાવ ઝાંખા લાગે છે.

વિપુલ માંગરોલીયા ( વેદાંત ) 

No comments:

Post a Comment