Friday, 14 July 2017

ગઝલ

પસવાર્યો હાથ પીઠે તો દફ્તર નડી ગયું
પાછું ફર્યું વહાલ કે બખ્તર નડી ગયું.

વાદળની, પંખીઓની લિપિ ક્યાંથી આવડે ?
બાળકને બીજું કંઈ નહીં , ભણતર નડી ગયું.

લીધી'તી એણે વાટ પરીઓના દેશની
કાનાનું, માતરોનું ત્યાં લશ્કર નડી ગયું.

ખોવાયા ચાંદ તારા હથેળીમાં જે હતાં
લાખો પ્રકાશવર્ષનું અંતર નડી ગયું.

ખેતી વિષેનો પાઠ! ને આવ્યો ન ખેડુપુત્ર !
પંડિત થયા ઉદાસ કે ખેતર નડી ગયું.

પુસ્તક આ ખુલ્લું મૂકી ક્યાં દોડી ગયો ટપુ?
ભણતર અધૂરું રહી ગયું જીવતર નડી ગયું.

વરસાદે મઘમઘે નહીં માટીની જેમ એ
અંતે ઘડાને એનું આ ઘડતર નડી ગયું............
*રઇશ મનીઆર*

No comments:

Post a Comment