Saturday, 29 July 2017

છંદ

*છંદ : હરિગીત*

આવે નહીં આ આંખ નીંદર દર્દ સૌ હમરાહી છે,
લીધી કલમ છે હાથમાં ને આંસુઓની શાહી છે,
રાખી સમંદર ખ્વાબ કેરાં ને વિતે છે રાતડી,
વાદળ બને છે યાદ તારી જળ ભરે છે આંખડી,

મળતાં હતાં જે ઘાટ સરિતા સ્પર્શ તારો યાદ છે,
બચ્યું નથી કૈં શેષ આજે શૂન્ય પણ તો બાદ છે,
હેરાન થાઉં જ્યાં દિસે છે ફૂલની કો' પાંખડી,
વાદળ બને છે યાદ તારી જળ ભરે છે આંખડી,

મારગ હતો જે આપણો જ્યાં સાથ ત્યારે ચાલતાં,
સુમસાન ભાસે એ ડગર પણ ખોટ તારી સાલતાં,
દીધી હતી ચૂડી તને જ્યાં આજ સૂની હાટડી,
વાદળ બને છે યાદ તારી જળ ભરે છે આંખડી,

પુષ્પો બધાં દુઃખી બને છે દૂર ખુશ્બોથી રહી,
જ્યાં છે નહીં ફોરમ તમારી દર્દ એનું રે' સહી,
થાક્યાં હવે તન્હાઈ સામે એકલાં એ બાખડી,
વાદળ બને છે યાદ તારી જળ ભરે છે આંખડી,

શું શું લખું છે દર્દ એવું કે હવે રે'વાય ના,
છે હાલ દિલનાં આજ એવાં કે કશે કે'વાય ના,
આશા ધરીને આજ દિલમાં જોઈ રે'તો વાટડી,
વાદળ બને છે યાદ તારી જળ ભરે છે આંખડી.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment