Saturday, 15 July 2017

ગીત

વાયરો આડો ફાટે તો ઠીક મારી બઈ
આ તો ચોમાસું આડું ફાટ્યું રે સઈ
હું તો લથબથ ,લથબથ ભીંજાતી ગઈ
આ તો ચોમાસું આડું ફાટ્યું રે સઈ

ભફાંગ દઈને વાદળ ,હેઠું જ્યાં પડ્યું
ને આંગણિયું રેલમછેલ
કેટલીયે ગગડાટું કુવામાં ખાબકી
ને ફાટી ગઈ માટીની હેલ

કમખાની દોરીએ ઝીણી વિજળીયું ઝબુકતી થઈ
આ તો ચોમાસું આડું ફાટ્યું રે સઈ

શેરીએથી ફળિયે ને ફળિયેથી ઉંબરે
ધોધમાર ઉતર્યું આકાશ
ઘનઘોર ઘેરાતાં આયખાની માલીપા
આછો આ શેનો ઉજાશ ?

આ ઝીણકુડાં ટીપાથી મારી તરસ્યું છીપાશે કે નઈ ?
આ તો ચોમાસું આડું ફાટ્યું રે સઈ

         સુધીર દત્તા

No comments:

Post a Comment