યાદો પાછી સરભર થઈ ગઈ
સૂની આંખો અવસર થઈ ગઈ
આજ ફરી ઘેરાયા વાદળ,
જલધારા લ્યો પગભર થઈ ગઈ
ડુંગર ડોલ્યા,પર્વત હસ્યા,
એક સરીતા સાગર થઈ ગઈ
ટહુકાઓનું ટોળું જાણે,
સીમ અબોલી જીવતર થઈ ગઈ
કોની આંખેથી વરસીને
પીડા મારી પડતર થઈ ગઈ
શમણાંઓનું ખેતર વાવ્યું,
પ્રીત અધૂરી અણવર થઈ ગઈ
કોક જનમની તરસી વેળા,
પણિયારાનો પથ્થર થઈ ગઈ
ભર ચોમાસું બેઠું હૈયે,
ખૂણે ખૂણો અત્તર થઈ ગઈ
એમ ઉતારી નાંખુ ચહેરા,
વર્ષા પાછી'ઝરમર' થઈ ગઈ
......વર્ષા પ્રજાપતિ ઝરમર
No comments:
Post a Comment