*=<>= ગઝલ =<>=*
ગુંચવાણો ત્યાં ખબર થઇ કે હતો ઝગડો બીજાનો.
શબ્દ મારા હોય છે પણ હોય છે પડઘો બીજાનો.
દ્રશ્ય ભજવી હાંફવાની પળ સુધી આવી જવાનું,
ને પછી બસ રાહ જો, ક્યારે પડે પડદો બીજાનો.
ભૂલવું ના જોઈએ એ બે બિલાડીએ કદી પણ
વાંદરો છે લાગમાં ખાઈ જવા કકડો બીજાનો.
આદરી દીધી સફર ને લાગમાં મંઝિલ હતી પણ,
રાહ જે નક્કી કરી એનો હતો નકશો બીજાનો.
પ્રેમમાં એવા ડૂબ્યાં કે ભાગ પાડ્યો જીંદગીનો,
ઊંઘવું ને જાગવું શું, શ્વાસ પણ અરધો બીજાનો.
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment