Friday, 21 July 2017

ગઝલ

ક્ષણે ક્ષણ ઉદાસી અકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે,
અને આંખ મારી સજળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

થતા તીર,ભાલા અને ખંજરો સા જવાબીપણાના હિસાબો,
બધાં ઉત્તરો જયાં પ્રબળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

કદી ઝાંઝવાની પીઠે બેસી ભાગુ કદી પાંપણોથી ઝરુ હું,
ભીતરથી ઘણુંએ વિકળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

ઘણાં ચહેરાના અમે ચાસ પાડયાં છતાંએ ન ઉગ્યા કિરણ કૈ,
અદાને વફાના વમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

વળી ખીણની ધાર પર જૈ અમે તો બુમો પાડી બે ચાર હોંશે,
અવાજો બધાએ સફળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે.

સરોવર સદાયે લીલુકાચ લાગે જરા એમાં ડોકાઈ જોયું,
પ્રતિબિંબ ગુલાબી કમળ હોય ત્યારે અનાયાસ તું યાદ આવે....
              પારુલ બારોટ.

No comments:

Post a Comment