Friday, 14 July 2017

ગઝલ

હું જ્યારથી એને વર્યો, કોઈ કસર રાખી નહીં,
ઉપયોગ ધાર્યો ત્યાં કર્યો, કોઈ કસર રાખી નહીં,

ખારા હતા એવા બધા મેં સાગરો દિલમાં ભર્યા,
ને આંખથી કાયમ ઝર્યો, કોઈ કસર રાખી નહીં.

મારી શરાફત આભના તારા સમી છે એમ તો,
લો, આજ અપરાધી ઠર્યો, કોઈ કસર રાખી નહીં.

જીવન મહી મંથન કર્યું તો આખરે બસ જે વધ્યું,
એ ઘૂંટ  વિષનો મેં ભર્યો, કોઈ કસર રાખી નહીં.

આ સંબંધો, મોંઘા પ્રસંગો, રીત-રિવાજો બધા,
આ દંભ છે દંભ જ નર્યો, કોઈ કસર રાખી નહીં.

"જયલા"

No comments:

Post a Comment