Friday, 21 July 2017

અભિનવ સા. સભા દ્વારા આયોજિત ચિત્રસ્પર્ધાની રચનાઓ

આખરે તો બસ એક જ ચાલ રહે છે,
નથી કે'વાતુ કોઈને એ જ સવાલ રહે છે.

હું છું કે નહિ? લેશભર પ્રતિબિંબે એમાં!
અરીસે આ અજાણ કોણ ખયાલ રહે છે.

આંસુ વરસે છે કે આ ચોમાસુ હૃદયે,
આકાશ ને આંખોમાં જ બવાલ રહે છે.

આબાદ છું પણ લખી ન શકુ કોઈ કારણે;
કલમ ને કાગળના લથડતા હાલ રહે છે.

'ઝાકળ' ને વળી શી હોય ખેવના કોઈ!
કહે છે સૌ ખુશ છે;ગુલાબી એનાં ગાલ રહે છે.
                                - ઝાકળ

ઓઢી લીધી ચુંદડી લીલી ,
         મેહુલિયાની  હારે  ડોલી
ભીની ભીની ભાતો ઊઘડે ,
         મનપંખીની  હારે   ડોલી

સમય સરીખું પામી લેવા , ઘેલી ઘેલી હરતી ફરતી ,
મતવાલા  મોહનના  મનમાં  થઈ  વાંસળી  બજતી
પ્રેમ - પિયાલો ધરી હોઠ પર
         રમતી  આંખ  -  મિચોલી
               ઓઢી લીધી ચુંદડી .......

ભાત ભાતના  રંગોની  આ  ખીલી  રહી ફુલવારી ,
સાત રંગના પતંગિયાની  ઊડ - ઊડ થાતી સવારી ,
મોરપીંછની  મસ્તી એવી
          દિયે   દિલને   ખોલી
                 ઓઢી લીધી ચુંદડી .....

      ---- હર્ષિદા  દીપક

હેમ છે...!

આમ તો..!
એમ છે..!
કોઈને કે'વાના સમ વેણ છે
લાંબી-લાંબી રાતો અને
તરતાં તારલાં જેમ છે તે....
હતા કે નોતા કેનારા જન-જન ઘેર છે...!
વળાંકે ચડતાં જળ ઝેર છે?
તણખાં દાવાનળનાં ભડકે જાણે..
અગ્નિ સામે જળ-જળ વેમ છે
સાંકળે બાંધેલાં નાગ અને
સામ -સામે વેણ છે
જુઓ તો ખરા...
વાતનું વતેસર જાણે
ખરતાં તારાનું આકાશ..!
જેમ-તેમ છે
આડો ઊગેલો સૂરજ અને
ચંદ્રનાં તેજમાં પણ એમ છે?
દિવસ અને અંધારા વચ્ચે
ફરક માત્ર કેમ છે?
બાકી અનોખા તડકાનો પડછાયો હાથે કરેલો તેમ  છે...
આપણી વાતો આપણી!
જાણે બીજાની કેમ છે?
સમજાતું નથી આ દુનિયાનું..!
ફરતું -ફરતું  જાણે ધેન છે
બારણાં બંધ અને બારીનું આકાશ...!
જોયા પછી..!
આંખો જાણે એમ છે..!
પીંછા થોડાને થોડી વાત..!
જાણે પીંઝરુ...!
ખાલી કરી દેવાની હેમ છે..!

જાગૃતિ મારુ મહુવા "જગુ"

ઇતિ સિદ્ધમ!

તમે   છો  આયનામાં   પણ  હું  દેખાતો, ઇતિ  સિદ્ધમ!
ફૂલોની    સોબતે    કાંટો   ય   મ્હેકાતો, ઇતિ   સિદ્ધમ!

તમે  છો, તમને  જોઈને  જ  શરમાઈ   ગયું   આકાશ!
અમે  ગુલાલ  જોયો  આભે  વિખરાતો, ઇતિ  સિદ્ધમ!

તમારા   હોઠને    તરસી   રહ્યો    છે   વાંસનો   ટૂકડો!
ને   અમને   વાંસળીનો  સૂર સંભળાતો, ઇતિ  સિદ્ધમ!

ભલેને   હોય   વિષ  કે  હોય  અમૃત, શું  થશે  બોલો!
ભલેને   હાથમાં   પ્યાલો, ન   પીવાતો, ઇતિ   સિદ્ધમ!

પહાડોની   વચાળે    ખાઈઓમાં    સાંભળું   છું    હું!
તમારી    વાંસળીનો    સૂર   પડઘાતો, ઇતિ   સિદ્ધમ!

રદીફ  ને  કાફિયા, છંદો  રૂકન   ને   જાળવી   જીવ્યો!
કંઈ  અમથો હું શાયર  ન્હોતો કહેવાતો, ઇતિ સિદ્ધમ!

હું આગળ, મારી પાછળ મારો પડછાયો હતો હરિયા!
હતો   મારો  ને   મારાથી   જ  સંતાતો, ઇતિ  સિદ્ધમ!

- હરિહર શુકલ

સાંભળશે કયારેક એ ઈશ મારો
કણકણમાં જો એ વસતો હોય તો

કોડિયા મારા કરમના કાચા હો ભલે
શ્યામ જો મારો માટીમાં દેખાતો હોય તો

ભલે ગયું આ જીવતર મારું માટીમાં
કોડિયા જો મારા તેના મંદિરમાં પ્રગટતા હોય તો

ઉરે ઉભરશે ઉમંગ વ્હાલના મને
કોઈનું ઘર જો મારા દિવડાથી ઝળહળતું હોય તો

સઘળું કરું અર્પણ હું તેને
મારી પડખે જો એ બાળક બની રમતો હોય તો

રંગ બધાં જિંદગીના લઈને રંગોળી કરું
શ્યામ જો મારા હાથે ચિતરાતો હોય તો

તોડવા છે જિંદગીના મોહના તાણાવાણા
જીવન જો મારું શ્યામ સાથે સંધાતુ હોય તો

હાથ મે કેશરિયા કિધા,આ દેહને નવી પરોઢ જોવી છે
હાથ જો શ્યામ તેનો લંબાવતો હોય તો.
=== કાજલ કાંજિયા 'ફિઝા'

એવા રે સંબંધ કાચી માટીના કોડિયા જેવા આંસુઓને ડાબલીમાં છુપાવી ચડ્યો કેશર કેરો રંગ. આંખો છલકાય અને હોઠ મલકાય જ્યાં બેઠું છે છુપાઈને કોઈ
મીના માંન્ગરોલિયા

હે મને ઘડનાર !! તારી આસ્થા પ્રગટાવવા;
કેટલાયે કોડિયાઓ મેં ઘડ્યા છે રાતભર.
=== રવિ દવે 'પ્રત્યક્ષ'

केवां हशे ई कोडीयां घट भाव लई घडीयां हशे,
चडीयां हशे जई चाकडे पछी ज्वाळ मां जळीयां हशे,
माटी तणी मोहबत घणी ना ओहकारो उचरे,
संकट सहे जे खुब खंते एज दीवो थई बरे.
=== चमन गज्जर

ઘણી છે તાણ્ય ઘરમાં પણ છતાં મન રંજ નઈ આણે,,,,
રગે નઈ કોયદી ક્યાંયે ખરી મહેનત કરી જાણે,,,,
વેચે કોડીયાં બેઠી ઘણી ખુદ્દાર ઔરત છે,,,,
અમારી આજ સંપત છે, અમારી આજ દૌલત છે.
=== ચમન ગજ્જર

કાચી માટીનું કોડીયું રે માં
ઘડ્યું તેં તો પાડી ભાત ભર

નવલખ ગેરૂ નાં રંગે રંગ્યુ
રંગ્યુ તેં તો જાગી રાત ભર

સ્નેહભરી  કરી કારીગીરી
કસબ તેં તો ઢૉળ્યો જાત ભર

સજાવી મુકતી રહી એક એક
ને છાપ મારી માં ની હાથ ભર

રેખાઓ ભૂસાતિ રહી કોડિયે
માં ની જીંદગી રહી સાથ ભર
=== પૂર્ણિમા ભટ્ટ "તૃષા"

નવી તાજી જન્મેલી,રોશનીઓ ઝળઝળે છે.
કરી ઝીણી નજર કાળી, ઉભી શગ ચળચળે છે.

લઈ મા એ પ્રસારી હાથમાં, સહજતાથી થપાવી,
નજીવા મોલ માટે કર, તરસથી ગળગળે છે.

સજાવી છે સમા ઘરમાં, તપી છે એ નિભાડે?
થઈ એ ભૂખ સરજનની જઠરમાં ખળખળે છે.

ઉછીની ચાંદની લઈને, ચમક અભિમાનથી તું,
જગા ખુદની પરત લેવા, દિપક ત્યાં કળકળે છે.

નિયમ છે આ જગતનો ડૂબતાં સૌ તરણું પકડે,
ગણી લે તું ઘડીઓ અંતની,જે બળબળે છે.
=== શીતલ ગઢવી"શગ"

જર્જર કાયા છે, ધૂંધળી દ્રષ્ટિ છે,
કાંપતા કરનું આ જ કર્મ છે,
સત્યને સ્વીકાર્યું છે આજે
માટીનાં બન્યાં છીએ
અને
માટી જ ઘડવાની છે
તો પછી
જગતની મોહમાયા શાને?
મારી અલખત માટી છે
મારી સઘળી મિલકત માટી છે
મારો ઉદય માટી
મારો અંત પણ માટી છે
મારે મન આ જ સોનુ છે,
મારે મન આ જ ચાંદી છે...
=== ભાવિન દેસાઈ 'અકલ્પિત'

હે ! શામળિયાજી ...

હું,માટીનો ઘડુલો ,મારે કરમ નીભાડે પકવાનું રે ,
ઈચ્છાના પરિવેશે મારે રોજ નવા ઘાટે ઘડાવાનું રે ,

માયાની આ કયા ખોટી ,એના વાંકે જીવવાનું રે ,
સાચા ખોટાનો આંચળો ઓઢી, તાજ તખ્તો ગજવવાનો રે,

હે ! શામળિયાજી ....

તારે આશરે જીવવું મારેને ,તારે આશરે જ મરવાનું રે,
પાપી પેટ ને ખાતર મારે, બ્રહ્માંડની ઘંટી એ દળવાનું રે,

તારી દયાની અરજી સાચી, તારી જ માયા સાચી રે,
તારા જ ચાકડે ભમવું મારે, તારા જ નીભાડે પકવું રે,

હે ! શામળિયાજી ....

સોનાનું આ પિંજર મને નથી લાગતું વહાલું રે,
ઉગાર મને આ ભવોભવથી હોય, જો સખા તુ સાચો રે,

અસ્મિતાનો શામળિયો સાચો ...જગની માયા ખોટી રે,
ઉડી જાવું મારે પિંજર છોડી ગોકુળમાં વાસ કરવો રે .
=== અસ્મિતા

કળા તું આ શીખી લે, કામ કાયમ આવશે, જો જે,
છે આ અવતાર માટીનો ને માટી તારશે,  જો જે!

મેં આખાયે દિવસમાં કેટલા દીવા બનાવ્યા છે,
જીવનમાં  આપણા એ રોશની  પ્રગટાવશે, જો જે !

વીતી ગઈ આખી ઉંમર, કોડિયાંને સંગે મારી તો,
બીજાંનાં ઘર ઉજાળીએ તો ઘર ખુદનું થશે, જો જે!

તું થઈને મોટો, મોટાં કામ એવાં કરશે કે જેથી
ખુશી દાદીના ચહેરા પર નવી તું લાવશે, જો જે!
=== હેમંત મદ્રાસી

દીવડો નાનો જગતને રોશની આપે
મ્હેક માટી ની ભળે ને રોશની આપે
અંધકારે કૈંજ ના દેખાય ત્યારે બસ
એક જ્યોતી  ઝળહળીને રોશની આપે
=== ભારતી ગડા

જોનાર તને દીવાઓ નો ઝળહળાટ દેખાય છે
ના જાણે કેમ મને કરનાર નો અંધકાર દેખાય છે
=== મુકેશ જોગી

કોડિયા રંગુ હજારો રોજ હું
દીવડો ઘરનો જલાવુ તો જ હું
તેજ તારી આંખમાં જો ઝળહળે
જોઈને કરતી રહુ છું મોજ હું
=== સંદિપ પુજારા

હજુયે હામ છે હાથે સજાવું છું હું જીવનને,
સમય કેરી પરીક્ષાએ તપાવું છું હું જીવનને.

સહારાઓ ભલે છૂટ્યા, ને તૂટ્યું આભ માથા પર,
કરીને વાત રે કાલી હસાવું છું હું જીવનને.

ખીલ્યું છે ફૂલ જે ઘરમાં, ટકી છું પાનખર થઇને,
ઘસીને જાત માટીમાં, ટકાવું છું હું જીવનને.

નથી આપી શકી ખુદા,સમય હું બંદગી માટે,
ઉછેરી છોડ આ નાનો, વિતાવું છું હું જીવનને.

અરજ છે એટલી મારી , જીવન થોડું તું આપી દે,
ફકત, આ દીવડા માટે, નિભાવુ છું હું જીવનને
=== હાર્દ

આ સમયના ચાકડાને ફેરવીને દેખજો,
સાથ આપી આ દરદને ખેરવીને દેખજો.
=== "કજલ"

થઈ  ચાકડો  ખુદ 
ઘડ્યો  પિંડ  મારો

તારા  કોડિયે 
પ્રગટતો   મા
સુરજ  દેખાતો
=== માધવી  ભટ્ટ

સાવ   ખાલી  દીવડામાં
ક્યાં  હવે  ઇંધણ બચ્યું?
રંગ     દેતા    જીવડાને
ક્યાં કહો ઘડપણ નડ્યું?
હોય છે મામા તણુ ઘર
જ્યાં   બળે  છે  દીવડો
એ  ય  ભૂલીને  જૂઓ !
કરતુ મદદ બચપણ રહ્યું
=== સુષમ પોળ

માટીને આકર્ષક આકાર દીધો,
માનવીનો બાહ્ય નિખાર લીધો,
ભીતર સંવેદના તિખાર કીધો,
રંગોએ આગવો આધાર લીધો...
=== ઉર્વિકા

ચાકડે પિંડ થઈ અવતરે કોડીયું,
આંગળીની કરામત ઘડે કોડીયું.
=== હેતલ મકવાણા

જીવનની ફરે છે ઘટમાળા,
કુંભારના ચાકડાની જેમ,
જેમ ઘડાય ઘડો કે કોડિયું
જીવન પણ એમ જ ઘડાય છે.
આપે ઠંડક જગને,તે દિપે પ્રકાશ થઇ,
છે નાનું તોયે જગતને પ્રકાશે,
આતો કાચી માટીનું કોડિયું.
તેને રંગની ક્યાં છે ચાહત...
તેને સંગની ક્યાં છે  ચાહત.....
તેને તો બસ તપવાની છે ચાહત,
આતો  કાચી માટીનું કોડિયું,
આતો કાચી માટીનું કોડિયું.
=== સંદિપ પટેલ"કસક"

#યાદ તારી#
તરવરે છે આંખો સામે એ ભૂતકાળ,
એ હાથમાં તારા ચાંક ,
ને તું ઘડતો માટીમાં નીત નવો આકાર,
હું સંગ તારા બેસતી ને
તારા હાથથી એ ફરતી દુનિયાને નજરોનજર
જોતી,
એ માટલામાં તું શીતળતા મુકતો,
ને કોડિયામાં તેજ,
નિત નવા આકાર દેતો ને માટીમાં જાણે રંગો ભરી
સપના કરતો સાકાર,
યાદ છેને...
હું માટી અડતી ને તું છંછેદાંતો!
કહેતો "ઓ ચાંદ ડાગ લાગશે ",
તું મને જોયા કરતો ને હુંય
તારી આંખનું પ્રેમજળ પીતી,
જિંદગી આંમજ ગઈ વીતી ને.. ને..થયો કુઠારો ઘા..
સાથ છોડી ને તું ગયો.
મૂકી ગયો એકલી
જાણે જળ વિના માછલી.
હું હવે બેરંગ થઇ,
ઈચ્છાઓની હોળી થઈ,
યાદોના રંગો લઈને
સ્વપનોના કુંડા ઘડું છું,
ને કોડિયાને પ્રીતે રંગુ છું.
ઢળતા જિંદગીના સૂરજે નિત્ય જ્યારે હું માટી ગુન્દુ છું.
તારા શબ્દો સંભળાય છે,
"ઓ ચાંદ..........
=== સંદીપ ભાટીયા

આતો કાચી માટીનુ કોડિયું,
કરાવે જીવનમાં ડોકિયું,
તે પ્રકાશે જળહળતુ,
દિપાવે સંઘરાતું માળીયું.
=== સંદિપ પટેલ"કસક'"

કાચી માટીના બનેલ આપણે,
એક દી માટીમાં મળવાનાં...

હુંપણા ને હવે તું છોડને,
રાખ બની ખાખમાં ભળવાનાં...

કરેલા કર્મો ઝળહળી ઉઠે,
રાખ હરદમ સત્કર્મ કરવાનાં...

નજર કર જરા કોડિયાં પર,
જલી ખુદ સંસાર રોશન કરવાનાં...

જો બનીએ સૌ કોડિયાં સમ,
તો જગમાં ક્યા અંધારા રહેવાના...                       
=== ઈશિતા

🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
મિત્રો, ચિત્રકાવ્ય સ્પર્ધા-૦૧માં બધાએ ખુબ ઉત્સાહથી ભાગ લીધો હતો. સારી સારી કૃતિઓ માનવા મળેલી. તે અહી સંકલિત સ્વરૂપે ફરીથી મૂકી છે. સૌના પ્રયાસ ખરેખર પ્રશંસનીય રહ્યા.
आजना चित्रमा एक वृध्ध स्त्री जेना मनोभाव गूढ़ छे अने काममा लीन छे. पासे बालक छे जे रमतमा होवा छता काममा दादी (कदाच)ने मदद पण करे छे अही त्रण पढ़ीनो समन्वय छे. कोडाया तो मजूरी अने आजिविकाना प्रतिक तरीके काम करे छे. वृध्धावस्थामा पण काम करे छे. आम चित्रना पूरा भावने वहन करे तेवी पूर्ण रचनाने पसंद करी छे.
પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર કૃતિ 
        == જીવતરનું ગીત ==
ભુલીને જીવતરનો થાક આ ફુલને સાચવું છું
સુગંધ અકબંધ રાખવા દીવડા તારવું છું

હતાં ત્યારે બધા હતાં હતો સઘળો સંસાર
સમય ચાકીમાં હોમાયો મારા જીવનનો આધાર
બાળ દીવાનું રખોપુ કરવા દીવડા ઘડું છું
એમ મારૂં વ્હાલું વ્યાજ જીવની જેમ જાળવું છું

નીંભાડો મને લાગે વ્હાલો મારા દીવડા પકાવતો
અસ્તરીના અવતાર સમો ઈ ધખ ધખ ધ્રુજાવતો
લ્હાય લ્હાય થઈનેય કાચી માટી શણગારૂં છું
એમ મારૂં વ્હાલું વ્યાજ જીવની જેમ જાળવું છું
=== સરલા સુતરિયા (વડોદરા)
જેમની સન્માન સુરત ખાતેના કાર્યક્રમમાં રાખવા આવ્યું હતું. પણ તે સમયે તેઓ અમેરિકા હતા આથી પુરષ્કાર એમને પછીથી મોકલી આપવામાં આવ્યો હતો.

નિર્ણાયક : શ્રી વિપુલભાઈ માંગરોલીયા

સંચાલન : મંથન ડીસાકર
સહયોગ : ડૉ. ભાવેશ જેતપરિયા, શ્રી ભરત ભટ્ટ “તરલ”
🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀🍀
[7/20, 11:01 AM] ‪+91 98190 19051‬: જ્હોન - જૂલી

બાળહઠ પાસે નમી મમ્મી,
કરવા વરસાદમાં ધીંગા મસ્તી,
થયા તૈયાર આજ જ્હોન ને જૂલી.

રંગ બેરંગી પહેર્યા વરસાદી કોટ,
ને સાથે, પીળા- ગુલાબી ગંબૂટ.
જાણે ઘરા પર થયું, મેઘધનું ફીટ.

છત્રી લઈ નિકળી સવારી.
એ તો દબાવતાં ચાંપ, ખૂલી.
ને થાય હાલક- ડોલક વળી.

રસ્તે મળ્યું પાણીનું ખાબોચીયું,
કર્યું જ્યાં હલ્લો, ત્યાં તો દેખાયું,
પ્રતિબિંબ, ને થયા બે ના ચાર.

છપ્ છપાક, છૈ છપ્ છપાક,
ચારે મળી ખૂબ કરી ધમાલ.
હરખાયા બહુ જૂલી ને જ્હોન.

Thanks,
Alpa Vasa
[7/20, 11:25 AM] Gautam Paramar: અભિનવ સાહિત્ય સભા ગૃપનો ખૂબ ખૂબ આભાર 💐💐💐💐
આ સાથે ચિત્ર કાવ્ય સર્જન પણ રજુ કરુ છું
________________________
ઝરમર ઝરમર વરસે આજે  મેઘ ગુલાબી.
મયખાનો ખુલ્યો છે પીવા ચાલ શરાબી.

ભાન બધું હું  ભૂલી કીચડમાં આળોટું
આજ ઉતારી ફેંકુ  સમજણનું  મુખોટું
ક્યાં સુધી કોરો રહું  રાખી ઠાઠ નવાબી.
                     મયખાનો ખુલ્યો છે....

નાવ લઈ કાગળની પાછી તરતી મૂકું
શૈશવના યાદોની એમા ભરતી મૂકું
વરસાદી એ જુના સંસ્મરણોને આંબી.
                  મયખાનો ખુલ્યો છે...

સર્જક
_________________________
(મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ)
[7/20, 12:20 PM] ‪+91 99090 71588‬: રમીએ   !

ચાલ, પડછાયો   થઈને  રમીએ ,
ચોખા-ચટ્ટ જળમાં   બેઉ ભમીએ.

કેવું  વ્હાલું   ફરફર આ  ચોમાસું ,
છત્રી  મેલી દે  આજે તો ભીંજાશું.

આંખોમાં  અચરજ   ને   ભરીએ ,
માછલી  સંગ   આપણે   તરીએ.

સ્પર્શ  પાણીનો ગલગલિયાં કરે,
પરીઓના સપનાં આંખોમાં  સરે.

તું  ને  હું ,અહીં  જ  ઊભા રહીએ,
મેઘ  સંગાથે    બેઉ  સળવળીયે.

વમળ વચાળે, જો  નાદ ઘૂંટાય ,
એકડા-બગડામાં શેં  એ સમાય ?

ભમરાના  ગીતો ને ગણગણીયે ,
ચાલ, પડછાયો  થઈને  રમીએ .

                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
(ચિત્ર સ્પર્ધા  બે  માટે )
[7/20, 1:58 PM] ‪+91 99090 71588‬: રમીએ   !

ચાલ, પડછાયો   થઈને  રમીએ ,
ચોખા-ચટ્ટ જળમાં   બેઉ ભમીએ.

કેવું  વ્હાલું   ફરફર આ  ચોમાસું ,
છત્રી  મેલી દે  આજે તો ભીંજાશું.

આંખોમાં  અચરજ   ને   ભરીએ ,
માછલી  સંગ   આપણે   તરીએ.

સ્પર્શ  પાણીનો ગલગલિયાં કરે,
પરીઓના સપનાં આંખોમાં  સરે.

તું  ને  હું ,અહીં  જ  ઊભા રહીએ,
મેઘ  સંગાથે    બેઉ  સળવળીયે.

વમળ વચાળે, જો  નાદ ઘૂંટાય ,
એકડા-બગડામાં શેં  એ સમાય ?

ભમરાના  ગીતો ને ગણગણીયે ,
ચાલ, પડછાયો  થઈને  રમીએ .

                  ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાન્ત '
[7/20, 1:59 PM] ‪+91 99090 71588‬: ગીત

અમારી  આંખોમાં  સમાયું  ચોમાસું ,
પ્રતિબિંબ સંગ ,ગીત ખુશીના ગાશું.

હરશું ,ફરશું  ને  છબછબિયાં  કરશું,
આંખોમાં  ઝરમર સાવનને   ભરશું.

હવે  છત્રીમાં   કેમ    કરીને  સમાશું ?
પ્રતિબિંબ  સંગ ,ગીત ખુશીનાં ગાશું.

જળકમળવત  બચપણ છે  અમારું,
વિસ્મયનું   આંગણું    છે   સહિયારું.

વર્ષા ની   રિમઝિમમાં ,કરશું  વાતું,
પ્રતિબિંબ સંગ ,ગીત ખુશીનાં ગાશું .
                       ***
-કૃષ્ણકાંત ભાટિયા 'કાંત '
[7/20, 2:11 PM] ‪+91 94274 66092‬: ચિત્ર સ્પર્ધા માટે

વહાલપનો દરિયો થઇ વરસે છે ચોમાસું.
ભીતરમાં સર સર સર સરકે છે ચોમાસું

ફેંકીને ચાલી નીકળ ભીતરની છતરી,
કૈં અવું આજે બરકે છે ચોમાસું.

મારી ને તારી થાય નજર જ્યાં એક પછી,
કેવું ઉછળી ઉછળી હરખે છે ચોમાસું.

કૈં આવી વાતો કરતાં મોભ અને ભીંતો,
યુગ યુગથી આંખોમાં પલળ છે ચોમાસું.

અંધારાનાં વાદળ હડસેલી જોયું તો,
સામેની છત પરથી મલકે છે ચોમાસું.

ભરત પ્રજાપતિ 'અદિશ'
[7/20, 2:25 PM] ‪+91 94274 66092‬: ચિત્ર સ્પર્ધા માટે

વહાલપનો દરિયો થઇ વરસે છે ચોમાસું.
ભીતરમાં સર સર સર સરકે છે ચોમાસું

ફેંકીને ચાલી નીકળ ભીતરની છતરી,
કૈં એવું આજે આ બરકે છે ચોમાસું.

મારી ને તારી થાય નજર જ્યાં એક પછી,
કેવું ઉછળી ઉછળી હરખે છે ચોમાસું.

કૈં આવી વાતો કરતાં મોભ અને ભીંતો,
યુગ યુગથી આંખોમાં પલળ છે ચોમાસું.

અંધારાનાં વાદળ હડસેલી જોયું તો,
સામેની છત પરથી મલકે છે ચોમાસું.

ભરત પ્રજાપતિ 'અદિશ'
[7/20, 2:28 PM] ‪+91 94274 66092‬: Type mistek hovathi sudhari ne fari muku chhu

ચિત્ર સ્પર્ધા માટે

વહાલપનો દરિયો થઇ વરસે છે ચોમાસું.
ભીતરમાં સર સર સર સરકે છે ચોમાસું

ફેંકીને ચાલી નીકળ ભીતરની છતરી,
કૈં એવું આજે આ બરકે છે ચોમાસું.

મારી ને તારી થાય નજર જ્યાં એક પછી,
કેવું ઉછળી ઉછળી હરખે છે ચોમાસું.

કૈં આવી વાતો કરતાં મોભ અને ભીંતો,
યુગ યુગથી આંખોમાં પલળે છે ચોમાસું.

અંધારાનાં વાદળ હડસેલી જોયું તો,
સામેની છત પરથી મલકે છે ચોમાસું.

ભરત પ્રજાપતિ 'અદિશ'

ચિત્ર કાવ્ય-૨ માટે

##ચાલને ! વરસાદની મજા માણીએ##

આંખોમાં લીલાછમ ઝાડવાની ટાઢક આજીએ,
માટીની સુવાસને મુઠીમાં  ભરીએ,
રંગોના સાગરને આકાશથી ઉછીનો લઈ,
છત્રીમાં ભરીએ,
ચાલને ! વરસાદની મજા માણીએ.
દર્પણ બની ગઈ આ ધરતી,
ધરતી પર ઉતર્યું આકાશ,
આકાશે પગ મૂકી જોઈએ,
છબછબિયાંના સંગીત રેલાવીએ,
હોડી એક યાદોની તરતી મૂકી દઈએ,
ચાલને ! વરસાદની મજા માણીએ.
ભીંજાયેલો સૂરજ ક્યાંક સુકાતો હશે!  ખોળી લઈએ,
વાદળની પાછળ આભ સંતાયું,
આભ સંગે સંતાકૂકડી રમીએ,
હળવેથી મુકજે પગ લપસી જવાય ના!
પાણી ઓળંગી થપ્પો કરીએ.
ચાલને ! વરસાદની મજા માણીએ.

-સંદીપ ભાટીયા"કવિ"

લાગણી માં ઓટ આવી શકે?,
સ્થિતિ એ પછી મને મારી શકે.

પ્રણય એક ગાંડપણ નથી તો શું?,
કેટ કેટલો મને એ રડાવી શકે?

હોય હથિયાળ હાથ માં કે નહીં,
નજર ના બાણ થી મને વીંધી શકે.

સદા એકાંત માં જીવતો જીવ પણ,
ક્યારેક કાફિલા આખા માં જીવી શકે.

ના સચવાય જ્યાં મૌન નો મહિમા,
ત્યાં જ બધા ઉહાપોહ સર્જાઈ શકે.

હું તો નિત્ય કરું પૂજા પ્રિયતમ ની,
પ્રાર્થના મારી એ ના સાંભળી શકે.

મૃગજળ બની ને આવે ક્યારેક તું તો,
શક્ય છે કે 'ધર્મ' પ્યાસ બુઝાવી શકે.

                           ~ધર્મેન્દ્ર સોલંકી. 

આપ આવશો એ આશ માં,
જીવતો રહ્યો એક લાશ માં.

પથ્થર પુજી ને અંતે થાકી ગયો,
ખુદા પણ ના રહ્યો આકાશ માં.

મળતી બધી સફળતાઓ એમ,
ફરતી ગઈ છેવટે તો નિરાશ માં.

દૂર ક્ષિતિજ પર લાગ્યું મળશે એ,
સૂર્ય ઢંકાયો તો ઢંકાયો લાલાશ માં.

નિત નવા અખતરા કરી જીવ્યો,
તોયે ના રહ્યો કોઈ અવકાશ માં.

વરસતા વરસાદ માં પલળી ગયા તોયે,
કોરી રહી લાગણી આટલી ભીનાશ માં.

આટલી ઉદારતા સારી નહીં દોસ્ત,
દુશ્મન પણ ફરે વિના વિનાશ માં.

પામવા ને એક ઈશ ને જો કર્યા,
પાપ અને પુણ્ય બેહિસાબ માં.

રહી જશે મિલન અધૂરું તો શું?,
આવશે એ નવા નવા લીબાશ માં.

                       ~ધર્મેન્દ્ર સોલંકી. 

છત્રીનો ચલ સાથ છોડીને સાથે રમીએ મોસમ મોસમ.
હું ધરતીને તું થા વાદળ,સાથે રમીએ મોસમ મોસમ.

ઝરમર ઝરમર તું તો વરશે, હું ભીંજાતી મનભર મનભર,
રસ્તે ફૂલો પથરાયા છે, મન મૂકી જ્યાં વર્ષયું અંબર,
ડગલે ડગલે રણકે બુંદો, જાણે વાગે હૈયે સરગમ.
                    હું ધરતી....

કણ કણ તારો હું  સ્પર્શું ને, અંગે મારા ખીલતી સૌરભ,
વાદળની આ એક રમતમાં,ધરતી પર જો પથરાયું નભ
તું તો કેવો, નટખટ છોરો, પણ પડછાએ શોભે સંયમ.
                હું ધરતી....

ખળ ખળ ઝરણે જોને વહેતી તારીને મારી આ સંગત,
પથરા પણ જીવનને પામી, રેલાવે મોસમની રંગત,
રોમે રોમે ચાદર લીલી, ને મહેકે છે મારો આતમ.
                હું ધરતી .....

હાર્દિક પંડ્યા 'હાર્દ'

ચિત્ર કાવ્ય 2 માટે
આવ્યા છે વાદળા દોડી દોડી ,
ચાલો આજે તરાવીએ હોડી..
જુઓ, ગરમી થઇ ગઇ છુ મંતર,
ને આ વાદળ વગાડે છે જંતર,
માટીનું આ મધમઘતું અત્તર,
અમે ધરિયું આ છત્રીનું છત્તર,
એ છત્તરને દઈએ આજ છોડી, ..
અમે આજે તરાવીએ  હોડી..
છબછબિયા કરિએ ને છાટા ઉડાડીએ,
લીલાછમ ઝાડવાને ઢંઢોળી જગાડીએ,
વીજળીના ચમકારે અંતર ઉજાળીએ,
રંગોની રસધારે  સહુને ભીંજાવીએ ,
આજ પાણીએ પિચકારી છોડી ...
અમે આજે તરાવશું હોડી...

ચિત્ર કાવ્ય સર્જન-૨
          માટે કૃતિ
    * વિસ્મય *
જૂઓ શૈશવને ચોમાસું ફૂટે છે!
કહો અહીં કાંઇ હવે ખૂટે છે?

વનરાઈ કેરી લીલીછ્મ્મ પાટીમાં,
કૂદરત તણો ક્ક્કો,એ ઘૂંટે છે!

વરસાદી ફોરાંઓ પક્ડીને હાથે,
જાણે મધમધતાં ફૂલોને ચૂંટે છે!

એણે છત્રીનો કર્યો શણગાર અને,
આંનદ હવે મસ્તીથી લૂંટે છે!

પાણીમાં પ્રતિબિંબ,લાગે છે અચરજ,
એના વિસ્મયના બાણ પછી છૂટે છે!!

@નટવર ટાંક  જૂનાગઢ.
  
ચિત્ર કાવ્ય સર્જન-૨ માટે કૃતિ...

છે ઉમંગ કેટલો આ બાળ હૈયા માં જો,
ઝરણાં ના પાણી માં દેખાય છે ખુદા જો.

તરસતી ધરા ની પ્યાસ બુજાવવા,
આવ્યા છે સ્વંય મેઘરાજા જો.

ત્યજી આ જવાની, આ ઘડપણ,
મન થનગને છે બાળક બનવા જો.

છે નિર્દોષ રમત એની, ને નિખલાસ આંખો,
ચોતરફ ખીલી છે બાળકો ની દુનિયા જો.

જમાના ની બધી બદીઓ ને ચિંતાઓ ભૂલી,
ખીલવી છે ખુદા એ શૈશવ ની કળીઓ જો.

છે ન્યોછાવર આ દોલત અને શોહરત પણ,
બની જો જાય મન મારુ બાળક જો.

આવશે એક દિ' ફરી શૈશવ નો જીવન માં,
આ નહીં તો તું ખુદા આવતો જનમ જો.

                                 ~ધર્મેન્દ્ર સોલંકી.  
                         
ચિત્ર વાર્તા સ્પધૉ 2 માટે મુકેલી કવિતા...

ગીત.....

લે કરીએ છબછબીયા તારી આંખો વચ્ચે...
લે કરીએ છબછબીયા તારી વાતો વચ્ચે....
    લીલી લાગણી વરસી ઉઠે
                        મ્હોરી ઉઠે  તડકો
   છત્રી ને એકબાજુ મુકીને
                        હળવે થી હૈંયાને અડકો
                    હૈયે લાગે હળવો થડકો

કેમ બંધાયો તારો મારો નાતો વચ્ચે....
લે કરીએ છબછબીયા તારી વાતો વચ્ચે....

  જો નીચે આ પરપોટાની જાત
                           ભીનું મન શું વાંચે
મોસમ કેવી મહેકી ઉઠે
                    મન થનગન થનગન નાચે
             મન મહેંકી ઉઠે ને તું વાંચે

લે તું તારૂ ને મારુ ગાણું ગાતો વચ્ચે....
લે કરીએ છબછબીયા તારી આંખો વચ્ચે....

      લે કોરીકટ્ટ વાત મૂકું
                      શું મૂકું શબદો ની થાપણ
  મૂગું મન શું ચીતરી બેસે
                 ને છલકાય અમારી પાપણ
                ઘડી મલકાય અમારી પાપણ

લે ઝરમર વરસે ને તું સમાતો વચ્ચે.....
લે કરીએ છબછબીયા તારી વાતો વચ્ચે.....
                        ભરવાડ નિલેશ 'મન'

ચિત્ર કાવ્ય સર્જન સ્પર્ધા - 2

*વરસાદી ગીત*

જોઈ પ્રતિબિંબ જળમાં,
અચરજ  એને     થાતું;
ઊભો  છું   તુજ   પાસ,
એ જળમાં શીદ દેખાતું!

લઈ   પચરંગી     છત્રી,
ગીત   વરસાદી   ગાતું;
ઝરમર ઝરમર મેહુલિયે,
ઝૂમી    ઝૂમીને    ન્હાતું.

રંગબેરંગી વસ્ત્રો પ્હેરી,
મહાલવાં  એ     જાતું;
દેખી ઊડતાં પતંગિયાંને,
મનમાં બાળ  હરખાતું.

લીલાં લીલાં  ઝાડ-પાન
ને  ફૂલ   ગુલાબી  રાતું;
જાણે  આખુ    ઉપવન,
એની આંખોમાં સમાતું.

    *-સંજય બાપોદરિયા 'સંગી'*
     *મોરબી*

ચિત્ર કાવ્ય સર્જન -2 માટે
મોસમ  અનેરી  છે  વરસાદી
લઈ જાય છે મને બહાર તાણી
જયારે ફોરમ લાવી આ ભીની ધરતી

જીવન ના વિવિધ રંગોની માફક
છત્રીઓ આ  સુંદર  શોભતી
આજે તો એને  મૂકીશ  બાજુએ
આજ  મને  ભીંજાતા એ  ના રોકતી

મેઘા પણ છે આજ  મનમોહક
તું પણ સંગ આજ છબછબિયાં કરતી
લીલાછમ વૃક્ષો અને વરસાદી માહોલથી
ધરતી પણ આજ અલગ નિખરતી

પાણી ભરેલ ખાબોચિયામાં
પ્રતિબિંબ મહીં એ  સુંદર શોભતી
રંગબેરંગી    વસ્ત્રો    પહેરી
ખુશીઓથી   એ    મહેકતી

એ  મહેકથી વાતાવરણ ગૂંજે
આનંદની  એમાં લહેર લહેરાતી
વરસાદની સંગ ખુશી માણતા
મોસમ પણ આજ હરખાતી 
-ઉપાધ્યાય જીજ્ઞા

ચિત્ર કાવ્ય સર્જન સ્પર્ધા-2

ગીત...
(રાગ- ચાલ બચૂડા લઈ લે સોટી સૈનિક સૈનિક રમીએ)

ચાલ ચકુડી લઇલે છત્રી પાણી સાથે રમીએ,
મેઘધનુષ્યને હાથે લઈને સાથે સાથે ભમીએ.

જાતા જાતા રસ્તા વચ્ચે આવ્યું નાનું ઝરણું,
દોઢડાહ્યાં ચકાએ એમાં ફેક્યું નાનું તરણું.
પીળા-ગુલાબી બુટ પલળશે ઊભોરે ભાઈ ખમીએ.
મેઘધનુષ્યને હાથે લઈને સાથે સાથે ભમીએ.

મેં ઓઢી છે હજીયે છત્રી;  તું છત્રી કેમ ખોલે?
પહેલું પગલું હું માંડુ લે એમ ચકુડી બોલે.
ઝરણાં નાળા ઠેકી ઠેકી જંગલ આખું ફરીએ.
મેઘધનુષ્યને હાથે લઈને સાથે સાથે ભમીએ.
--ભરત વાઘેલા (સિહોર)

ચિત્ર કાવ્ય સર્જન સ્પર્ધા -2

*વરસાદી સાંજ*

ચાલને મિત્રા થોડી થોડી ઋતું માણીયે..
મા એ પહેરાવ્યા વરસાદી કોટને બૂટ..
લાલ,પીળા ગુલાબી જાણે મેઘધનુષી
સાથે રંગીન છત્રીનો સાથ છે.
તુ ને હું નીકળી પડ્યા એકમેકને સાથ ..
સાજ પડી વરસાદે લીધો થોડો વિરામ,
વરસાદે ખીલવ્યા ઝાડપાનને પ્રકૃતિ આજ.
પાણી ના ખાબોચીયા ભરાયા ચોપાસ..
પડતું પ્રતિબિંબ એમાં .
કૌતુક થાતું બેના દેખાયા ચાર ..
ચલ, આજ નથી ભીંજાવા નો ડર.
રંગીન આ કપડાંમાં ડાઘ પડવાનો ડર
છબછબીયાની રમત રમી લઈએ.
છપાંક છઈ છપાંક છઈ..
ડહોળાયું જળને વિલિન થઈ છાયા .
રહ્યા તું ને હું જ છાનામાના.
ફેંકી છત્રી બન્યા મસ્તીમાં ગુલતાન ..
વરસાદ ભીંજવે નહીંને તોય ભીંજાયા મન.
ચાલને મિત્રા ..સર્વ ભૂલી જઈને
જીવીએ બચપણ ભરપૂર ...
બચપણ આ અમૂલ્ય ..
યાદોની ગઠરી બાંધી લઈએ.

કાજલ
કિરણ પિયુષ શાહ

ચિત્રકાવ્યસજઁન  2  માટે કૃતિ.                                      હું તુ ને ઝરમર.
ચાલને થોડા આગળ વધીએ
છબછબીયા તો કરીએ
આભના આ મોતીડાને
ખોબલે ભરી લઇએ.

મેઘધનુષ ના રંગ પાણીમાં
જાણે તુ ને હું
થોડાક પલળીને ભીંજાઇએ
લહેરો ને માણી લઇએ.

મુકી દે તુ છત્રી તારી
આવ એક મા ભીંજાઇએ
છત્રી થઇ જાય કાગડો
તો મઝા માણી લઇએ.

કદીક થાશુ ઘરકુકડી
તો જળકુકડી બની જઇએ
નથી કરવા છબછબીયા
હવે ડુબકી મારી લઇએ.

કયાં સુધી ભમશુ એકલા વનમાં
સાથી ગોતી લઇએ
હાથ ઝાલીને એકબીજાનો વનવગડે સંચરીએ.

   પ઼તિક્ષાબેન બ઼હમભટ્ટ:

ચિત્ર કાવ્ય સર્જન 2 માટે કૃતિ

                 શીર્ષક

ચાલ ! તરસી લઈએ વરસાદમાં....!!

લે  ! નવરંગી પડછાયો પકડીને...
હવે તો ઝંખનાનું પાનેતર પહેરીને...!!
ચાલ ! પલળી લઈએ વ્હાલમાં...
પાગલ ,મૂક તું હવે તો આઘી છત્રી,
હવે તો મન છબછબીયા કરે જો....!!
ચાલ !અલ્લડ મદમસ્ત  મનમોર બનીએ..
મેહુલિયો આવ્યો,, મેધધનુષી કપડાંમાં,
ઝુમીને નાચી લઈએ વરસાદમાં...!!
ગુલાબી ગાલની ટસરો ફૂટી આભમાં..!!
માંડુ પગ હવે તુજ લે મુજ ને સાથમાં..!!
પ્રતિબિંબ પડે તુજ હ્દયનું નીરમાં..
પલળવા હૈયું થનગને હાલમાં...!!!
લીલીછમ વાદીઓમાં ભમીને,
ચાલ ફરી ઝૂમીને રમી લઈએ ..!!
છત્રીનો પડછાયો ના કર તોફાની આંખમાં,
જોઈ લેવા દે તેને સપનાનું આકાશ...
રૂમઝૂમ રૂમઝૂમ કરતું આવ્યું બાળપણ,
જોઈ લે ચોમાસું ઉગ્યું ફરી ભીતરે...!!

રૂપાલી ચોકસી "યશવી"

ચિત્ર સ્પર્ધા:૨

મેઘધનુષી છતરી નીચે,
મારી આંખે રોપ્યા શમણાં,
શૈશવના છે આંગણ નમણાં.

પાણીના ખાબોચિયે
જોયો પડછાયો તરતો,
તારી પાછળ ચાલ્યો'તો
હું તો ડગ ઝડપી ભરતો,
જોઈ તારા નખરા મેં ત્યાં કરડ્યા આંગળ જમણાં.

..શૈશવના છે આંગણ નમણા..                
 (૧)

ખીલ્યા ફૂલ સમી તું ને,
તારા ગુલાબી છબછબિયાં.
સીસકતી જીભલડી ને ,
મેં હોઠ દાબ્યા લપલપિયા.
આઘી ઠેલી છતરી જોવા તું સાચી છે કે ભ્રમણાં.

...શૈશવના છે આંગણ નમણા..      
(૨)

લીલુડી પીલુડી જેવો,
પહેર્યો'તો પોશાક.
અવિરત તારું રૂપ નિરખતા
ના લાગ્યો સહેજેય થાક,
મારી ભીતર શ્વાસો દોડયા રોજ કરતા બમણાં.

...શૈશવના છે આંગણ નમણા..(૩)

-શીતલ ગઢવી"શગ"

કેશવ ડેરવાળીયા  

ચિત્ર કાવ્ય સર્જન સ્પર્ધા 2   માટે
------------
"જરા માણી તો જો"
----'---------------------------
તું ચાલને પાણી કને, જરાં બિંબને દેખીએ,
હટાવી છત્રી નેણથી, જળમાં જોઇ તો જો. 

જીલે છે છાટ વર્ષાની આકાશથી વરસતી,
માણવાં આનંદ એવો,  જરા પલળી તો જો. 

વનરાઇ વેલાને આ, ભીની રેશમી  રેતની;
સોડમ સોમેર આવે, આજ એ માણી તો જો.

આજ ઓઢી ધરતીએ,  કેવી લીલેરી ચુંદડી;
વિધ વિધ ભાતડીએ,  નજર નાખી તો જો.

વહેતાં ઝરણાં જેમ,  વહ્યા જાશે બાળપણાં;
આજ એને આનંદથી,  જરાક માણી તો જો.
        ------એકલ----

દફતર પાટી પેન
છોડી દે તું બેન
મસ્ત મજાનો વરસાદ વરસે ભીંજાવા તું ચાલ

ગડ ગડ ડ ગડ વાદળ ગરજે
ચમ ચમ ચમ ચમ વીજળી ચમકે
ખળ ખળ વહેતા ઝરણાંમાં તું છબ છબ કરવા ચાલ
મસ્ત મજાનો વરસાદ વરસે ભીંજાવા તું ચાલ

ભણવામાં ન કશો સાર,.
મેંતો કાઢે બાલની ખાલ,.
લેશન બેસન છોડીને તું,
તન મન ભીજાવા ચાલ .
મસ્ત મજાનો  વરસાદ વરસે ભીંજાવા તું ચાલ

પડઘા પાડી વગડો બોલે
રસ્તા ઉપર કલરવ દોડે
ખળ ખળ વહેતા બચપણમાં તું પગલાં પાડવા ચાલ
મસ્ત મજાનો વરસાદ વરસે ભીંજાવા તું ચાલ

*_ચિત્રકાવ્ય સ્પર્ધા-2_*

        *ચાલને બે'ની...*

ચાલને બે'ની આજે આપણ
છત્રી લઈને  ભમીએ,
ભીનાં   ભીનાં  રસ્તાઓને હળવે હળવે અડીએ.

હું બનું વરસાદ પછી
તું વાછંટ જેવી થાજે,
હળવી ચાલે આવી
પસવાળી પંપાળજે.

હું બનું મોરલો મીઠો ટહુકો તું
બનજે,
ચાલને બે'ની આજે આપણ
છત્રી લઈને ભમીએ.

પતંગિયાંને હરી લેવા મેઘધનુષી થાશું
પરીઓના દેશે જાવા
જાનીવાલા રમશું.

થોડા થોડા  ચમકી  પછી વીજ બની જઈએ.
ચાલને બે'ની આજે આપણ
છત્રી લઈને ભમીએ.
          - પરમ પાલનપુરી

ચિત્રકાવ્ય સ્પર્ધા -2 માટે..
'ગીત '

ચાલ, આજે તો મન ભરીને બસ, પલળીએ,
મૂકીને આ છત્રી, છબછબિયાં કરીએ !

રોજ ક્યાં આવું પલળવાનું મળે છે ?
આપણું તો કોઈ ક્યાં કંઈ સાંભળે છે?
છે રજા, વર્ષાને આજે માણી લઈએ !
ચાલ, આજે તો મન ભરીને બસ, પલળીએ !

રંગબેરંગી આ કપડાં આજે પહેર્યાં ,
સપનાં પણ રંગીન કેવાં  એથી મહોર્યાં !
મેઘધનુ પહેરીને આજે ચાલ, મળીએ !
ચાલ, આજે તો મન ભરીને બસ, પલળીએ !

લે, થયો વરસાદ તો આ બંધ પાછો,
આવતે કેવી મજા, પડતે જો આછો !
તો હવે બોલો, ઘરે પાછાં  શું વળીએ ?
ચાલ, આજે તો મન ભરીને બસ, પલળીએ !

- હેમંત મદ્રાસી

એય...
ચલને આપણે જઈએ બાગમાં,
ચલને સાથે પલળીએ વરસાદમાં...

ચલ એકવાર બચપનુ કરીએ,
કરી છબછબીયા ખાબોચિયામાં...

કાળી વાદળીઓ સજી વરસવા,
ને વિજળીઓ પણ આવી ગેલમાં...

આજ સુંદર રંગોથી રંગાઈ છે ધરા,
એય થૈ છે મગ્ન આભથી મિલનમાં...

હટાવીને આ છત્રી ને રેઈનકોટ,
ઓઢી લઈએ બુંદો વર્ષાની અંગમાં...

સપ્તરંગી મેઘધનુષી સ્વપ્નોને,
કરીએ સાકાર પ્રકૃતિની સંગમાં...

જોને ભીંજાયુ છે જગ આખું,
આપણે ય ભીંજાઈએ એકમેકમાં...
ઈશિતા

સ્પર્ધા માટે

જેવું તારી તે આંખમાં ગરજ્યું ચોમાસું
એવું  મારી તે જાતમાં લપસ્યું ચોમાસું.

પાંપણના દેશમાં શમણાં ઊગાડશુ ,.
પ્રેમ ની મરઝાદ બધી પાળશુ.
જેવું યાદોની યાદમાં તડપ્યું ચોમાસું
એવું મારી તેં જાતમાં લપસ્યું ચોમાસું

મીઠા ટહુકાના મોર બની ગાશુ ,.
ને ,શ્વાસોની ઢેલ અમે થાશુ .
જેવું કોરા જીવન માં વરસ્યું ચોમાસું,
એવું મારી તે આખમાં  લપસ્યુ ચોમાસું .

જેવું તારી તે આંખમાં ગરજ્યું ચોમાસું
એવું મારી તે આંખમાં લપસ્યું ચોમાસું.

ભરત પ્રજાપતિ :અદિશ

એ મેઘધનુષી રંગો માં
રંગેલું મારું બાળપણ
હું જ્યારે ભાળું
ત્યારે લાગે
શાને આવ્યું શાણપણ
એક મુઠ્ઠી બંધ માટી માં
હતી ખરી સુગંધ
રેંત ના ચણતર માં
કર્યા'તાં,બધાં પ્રબંધ!
જિંદગીભર ના ખુટે
તેવાં હતાંછીપલાં અકબંધ?
ફક્ત,પળભર ની
રમત છે
હતી એવી જાણ પણ!
એ મેઘધનુષી . . . . . .
ગર,છલકે વાદળ તો
પાણી ઝીલવા
ને દોડતાં
પગપાલા ચાલી ને
પગલાં, કાળવે રગદોડતાં
દેડકાં દેખાય તો' તો
બંધુઓ ને ખોળતા!

એના સુર માં
સુર મિલાવા
ની કરીતી તાણ પણ!
એ મેઘધનુષી . . . . .
પાણી નાં નાળા માં
હોડી હોડ લૈ ને જોડતાં
કોની થશે પહલ?
એ જોવાં, આંખુ ચોળતાં
વાયરા ને કરવાં મદદ
નતમસ્તક હાથ જોડતાં!
ને દૂર સુધી જાય તો
હતી પરી ની પિછાણ પણ!
એ મેઘધનુષી . . . .
મંત્ર મુગ્ધ થઈ જતાં
એ શાયા ને જોઈને
એકદમ મારા સમું જ
આ તે કોણ હોય હે ?
પત્થર નાંખી ભગાવવા ની
કોશિશ કરી જોઈએ
ને એક પથ્થરે
થી મળતી
જીત ની છલાંગ પણ !
એ મેઘધનુષી રંગો માં
રંગેલું મારું બાળપણ
હું જ્યારે ભાળું
ત્યારે લાગે
શાને આવ્યું શાણપણ ?
                         ઝલક

રંગ હીન હું છું વાદળ
મુજ હાર્દ માં
મેઘધનુષ છે
પણ, દેખાશે ક્યારે ?
જ્યારે, સૂરજ ઊગશે
મો છુપાવી ઉભી છું
મારો નકાબ શ્વેત કુશ છે
પણ, રંગાશે ક્યારે ?
જ્યારે સૂરજ ઊગશે
છે  બાલમન નું છલબલ
છતાં,જગ થી માયુસ છે
પણ,ગવાશે ક્યારે ?

જ્યારે સૂરજ ઊગશે
હું શાંત છું એ સરવર
જેમાં મોતી ચરતાં
હંસ છે
પણ, એ ઊડશે ક્યારે?
જ્યારે સૂરજ ઊગશે
હું એવી હરિયાળી જાજમ
જે ભાળે તે સૌ ખુશ છે
પણ, પથરાશે ક્યારે ?
જ્યારે સૂરજ ઊગશે
હું છતર નું ઢાંકણ
જોને મારે ન્હાવું ખુબ છે
પણ, સુકાશે ક્યારે?
જ્યારે સૂરજ ઊગશે
                      ઝલક

એના, રંગે રંગાયા કરે
છબછબિયાં કાયા
મન ને તો વાળી આયા
હે પ્રભુ, તારી માયા!
છે બાલમન ચંચળ આ
વિના કારણે ક્લબલ આ ?
મુખ ને બોલતાં અટકાયાં!
હે પ્રભુ, તારી માયા
નીચે જળ ને
વાંહે ખેતર
છે ચાળીયા સમી નજર
લીલાં પાક ઉગાવી બાળ્યા!
હે પ્રભુ, તારી માયા
એ બાળપણ ને શાણપણ
ને પછી આયુ ઘડપણ
તોયે ચોગઠા નખાયાં ?
હે પ્રભુ, તારી માયા
છેલ્લે બને તું વાદળ
ને જાય સૂરજ આગળ
ત્યાં મેઘધનું રચાયાં !
હે પ્રભુ, તારી માયા
                          ઝલક
*અછાંદશ*

આકાશ પરનો આ ચાંદ
તારાને વાદળોની સંતાકુકડી,
તેમા નજર આવતો એક ચહેરો.
વારંવાર રંગ બદલતો, ભાવ બદલતો,
રૂપ વિખેરતો એક ચહેરો.
સાત સમંદરપાર તું પણ
જોતો હોઈશ ને!
આ ચાંદ માં એક ચહેરો.
નજર ચાંદ પર પડતા લાગે
જાણે તું જુવે છે મને,
અને બન્ને જોઈ રહયા છીએ.
તેમા એક બીજાનો ચહેરો.
નથી હું કાલિદાસ કે વાદળ સાથે,
સંદેશો મોકલું,
હું એક નારી, સતત પોતાની ઓળખ પામવા મથતી,
ને દેખાઈ મને એક ચહેરો.
શું લખું શું કહું મારી ખુશી, મારી પીડા, મારો વિરહ,
કે પછી મિલનની અનંત પ્રતીક્ષા,
વિશાળ આ ગગનમાં ફેલાયો પ્યારો એ ચહેરો.
કાજલને દેખાઈ સતત એજ ચહેરો.

  કાજલ
કિરણ પિયુષ શાહ.

આંખો બંધ કરી શું જોયું?

ઝરમર    વરસે    ઝાંઝરીયાળો
પાંપણના    બંધોથી     ખાળો!

ઊંડે   ધરબ્યા  જળમાં વમળો!
કોણ   કરે   છે    કાંકરીચાળો?

ગાંડીતૂર     નદી ,  રોકો     તો!
ના કોઈ  બંધ  અને  ના  પાળો!

સળગે છે આખ્ખો  દિવસ પણ
સાંજ   પડે   સૂરજ    હૂંફાળો!

બાદ     કરીને     તમને ,   બેઠો
છું   કરવાને     હું     સરવાળો!

પાપ  પૂણ્ય  ની  નોંધ  કરી  ના!
કેમ    કરી    મેળવવો    તાળો?

હું     ખોળું    છું, રોકી    લેજો
ભોળા   ભાભા  ને  જો ભાળો!

વણવા   બેઠો   છું   ચાદર   હું!
રાત   દિન   ચાલે   છે   સાળો!

મેલી    ચાદર    ઓઢી    લઈને
સૂઈ ગયો, લઈ  જઈને બાળો!

પાંખો      ફેલાવીને        ઉડયું
પંખી, છોડી     દઈને    માળો!

આંખો   બંધ  કરી  શું  જોયું?
લાલ ચુનરિયા, કામળો કાળો!

- હરિહર શુક્લ
  ૨૧-૦૭-૨૦૧૭

(રિવ્યુ માટે)

No comments:

Post a Comment