સૂર્યની ભીતર તને દેખાય શું?
બોલ ! એની આંખમાં વંચાય શું?
કેટલું ચાલી ગયાં પગલાં જૂઓ,
એથી મોટી વાત પણ ચર્ચાય શું?
આવ સામે ને કહી દે તું બધું,
જાતથી સંવાદ છે, શરમાય છે?
એક પંખી ચાંચથી ક્ષણ ખોતરે,
એમ કરવાથી જીવન છોલાય શું?
રોજ મારી આ મથામણ હોય છે,
શ્વાસ સાથે આ ઉડીને જાય શું?
સ્વપ્ન જેવી જીંદગીને જીવવા,
આંખે બાંધી હીંચકો ઝૂલાય શું?
પ્રશ્ન મારો સાવ સીધો છે 'અદિશ'
તોય સમજી ના શકે તો થાય શું?
અદિશ
No comments:
Post a Comment