Friday, 11 August 2017

ગીત

લો તાજું એક ગીત . મઠારવાનું બાકી. ગુણીજનોના સૂચનો આવકાર્ય.....

એક પતિના મનામણાનું ગીત
વિજય રાજ્યગુરુ

ગળ્યો હોય હેમાળો તો ખળકંતી ચાલે આવો!
તમે  ફરીથી  આવીને   મારામાં   મને  વસાવો!

કરોળિયાનાં જાળાં ભાળું,  ઝાંખી હેલ્યું ભાળું!
રાંધણિયે ખખડાટ નથી ને નથી ક્યાંય અજવાળું!
ઝાંઝરનો  ઝણકાર  હવે સૂના ઘરમાં પથરાવો!
તમે  ફરીથી  આવીને   મારામાં   મને  વસાવો!

જીદ  હતી  મારી માડીની  વટ  તારો ય સવાયો!
દૂર  ગયા  બે   કાંઠા,  વચ્ચે  ઝુરાપો  પથરાયો!
નથી હવે  માડી, વટ મૂકી  પગલાં ફળિયે લાવો!
તમે  ફરીથી  આવીને   મારામાં   મને  વસાવો!

પડી  ગયા છે  ઝાંખા  ભીંત  ઉપરના  કંકુથાપા,
ખેતર ખાવા ધાય,આંખને વાગ્યા કાયમ ખાંપા!
બંધ  પટારેથી  ઘરચોળું  કાઢી  સેજ  સજાવો!
તમે  ફરીથી  આવીને   મારામાં   મને  વસાવો !

ગળ્યો હોય હેમાળો તો ખળકંતી ચાલે આવો!
તમે  ફરીથી  આવીને   મારામાં   મને  વસાવો!

10 / 8 / 2017

No comments:

Post a Comment