Tuesday, 8 August 2017

ગીત


મૈત્રી તો પળ પળમાં ઘૂંટવાની વાત ને મૈત્રી તો લાગણીનો બંધ
મૈત્રી તો તારામાં મારા હોવાનો એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ

તારા સહુ ઘાવ મારા કાળજામાં મ્હોરે એ સગપણને નામ તે શું દેવું
પગમાં ખૂંચે જો કોઈ કાંટો , એ પીડામાં રડતી બે આંખના જેવું
મૈત્રી તો મનખાનો મીઠો મેળાવડો ને મૈત્રી તો થાક્યાનો સ્કંધ ...
મૈત્રી તો તારામાં મારા હોવાનો એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ ....

ફફડે તુજ હોઠ ત્યાં મુજ આંખો સમજે એ વણઉકલ્યા શબ્દોનું રૂપ
ને સાવ રે અકારણ તું બોલતો રહે ત્યારે રહેવાનું હોય મારે ચૂપ
મૈત્રી તો દુઃખસુખમાં મહોરવાની ઘટના ને મૈત્રી અદ્વૈતનો નિબંધ ...
મૈત્રી તો તારામાં મારા હોવાનો એક મુઠ્ઠી ઊંચેરો સંબંધ ...

@ અજીત પરમાર 'આતુર' 

No comments:

Post a Comment