પાનમાંથી શ્વાસ તાજા નીકળે.
એ પછી તો ક્યાક ટહુકા નીકળે.
આભ ચીરીને જો પીંછાં નીકળે.
પથ્થરો તોડીને પડઘા નીકળે.
આંગણું ઢંઢોળ પગલાં નીકળે.
એ પછી રસ્તા ને રસ્તા નીકળે.
આંખની બસ એટલે ઝડતી લીધી.
આંખમાંથી ક્યાંક નકશા નીકળે.
જીંદગી સુકવી શકે પળવારમાં ,
સૂર્યના એવા ય તડકા નીકળે.
જે નજર સામે બની ઘટના 'અદિશ'
હોય સાચી તોય અફવા નીકળે.
*અદિશ*
No comments:
Post a Comment