" આપણે..."
**************************
" ટાળવા જેને પળેપળમાં લડેલા આપણે ,
આખરે એ મોતને ભેટી પડેલા આપણે.
આપણો આ બાહરી દેખાવ તો અકબંધ છે ,
ને ભીતરના કોક ખૂણામાં સડેલા આપણે.
મુક્ત કરશે કોઈ આવી ને પછી હંકારશે ,
એક નૌકા જેમ તટ પર લાંગરેલા આપણે.
આપણાથી આપણું હોવાપણું અસ્પૃશ્ય છે,
આપણા વ્યક્તિત્વને ખુદ આભડેલા આપણે.
સ્હેજ પીડા,શોક કે વ્યાધિ વિશેનું સાંભળી,
એક પળમાં મૂળસોતા ખળભળેલા આપણે.
વૃક્ષ જેવું જીવતાં ના આવડ્યું તો આખરે,
એક સૂકા પાનની માફક ખરેલા આપણે.
માણસાઈ ઘુંટવાનું કેટલું સહેલું હતું !
સેંકડો યત્નો પછી ના આવડેલા આપણે.
"સૌમ્ય" આવું કેમ મનમાં કાયમી લાગ્યા કરે ?
શ્વાસ ચાલું છે છતાં મનથી મરેલા આપણે. "
**************************
( ગણપત પટેલ " સૌમ્ય" )
No comments:
Post a Comment