બાદબાકી બાદ
શબ્દને છોલીને અણિયાળા કર્યા!
ને કલમમાં ખોસીને કાળા કર્યા!
છંદ જાળવવા હતા માટે જ તો
એક સરખા ખેતરે ગાળા કર્યા!
લોહીયાળા શબ્દને ભેગા કરી
ખેતરે લ્હેરાવી હરિયાળા કર્યા!
પંખીઓ કલરવ કરે ડાળો ઉપર
શબ્દએ પાનાં ઉપર માળા કર્યા!
ભીંજવી ઝાકળમાં ઠંડા પ્હોરમાં
શબ્દને તાવીને હૂંફાળા કર્યા!
કોચલામાં શબ્દ જે પૂર્યા હતા
કોચલું ફાડીને પરવાળા કર્યા!
કેમ લખવાની ગઝલ છંદો વગર?
મ્હેફિલે મિત્રોએ હોબાળા કર્યા!
તો ય ભેળાઈ ગયું ખેતર, કહો
ચાડિયાએ કેટલા ચાળા કર્યા!
રોકવાને લાગણીના પૂરને
પાંપણોના આંખ પર પાળા કર્યા!
પ્હાડ પાણી થઈ વહે દરિયા ભણી
એટલા માટે નદી નાળા કર્યા!
શૂન્ય સરવાળે વધ્યું છે શેષમાં!
બાદબાકી બાદ સરવાળા કર્યા!
- હરિહર શુક્લ
૦૩-૦૯-૨૦૧૬/૦૫-૦૮-૨૦૧૭
No comments:
Post a Comment