*મારે કૃષ્ણ નથી થવું !*
મારે કૃષ્ણ થવું 'તું;
હવે, નક્કી જ કરી લીધું 'તું
એટલે-
આળસ મરડી
આંખ ખોલી
નિરાશા ખંખેરી
એક ઊંડો શ્વાસ લીધો
અને
નિર્લેપભાવ સાથેની
સરળતાનું સુદર્શન ઉપાડ્યું.
ઊંચકતા તો ઊંચકી લીધું !
પણ પછી તો
તર્જની જે કળી છે, જે કળી છે...
રહેવાય જ નહીં સાલું ! સહેવાય જ નહીં,
*મેં આ નથી કર્યું* એમ કહેવાય જ નહીં...
ગુરુનો નંગ પહેરેલી તર્જની
પાછી વળી-વળીને છાતી પર ઠોકાય,
અરે, તીરની જેમ ભોંકાય,
અને સૂર્યચક્રમાંથી
ગળા સોંસરવો
આંખમાંથી
ઉછળી-ઉછળીને
બહાર પછડાય છે :
મારો *Capital I*
અને
તૂટી-ફૂટી વેરાઈને
ચકનાચૂર થઈ જાય
મારી તર્જની પર
સરળતાના સૂસવાટા મારતું સુદર્શન...!!!
હવે,
એક સુદર્શનમાં
મારી આવી વલે થઈ !
તો પછી :
મોરપીંછ
બંસરી
ગોવર્ધન
રાધા
સ્યમંતકની ચોરી
આરોપ
જૂગટું
વિષ્ટિ
યુદ્ધ..
ઉફ્ફફફ.....
રહેવા દો યાર
નથી થવું,
*મારે કૃષ્ણ નથી થવું...*
*-ચિંતન મહેતા _આલાપ_*
#CM_Sarkaar
No comments:
Post a Comment