*છંદ :- નારાચ (પંચચામર)*
*નાગદમણાંષ્ટક*
નદી તટે ભુજંગ નામ કાલ નાગ આવતો,
સ્વ તન્ન ઝેર પાથરી નદી બધી વિકારતો,
સખાય સંગ જાદવા સુધેનને ચરાવતાં,
નદી મહી કુદી પ્રભો ભુજંગને ભગાવતાં...||૧||
કરે કરે પ્રહાર પૈર પુંચ્છ પે જગાડવા,
વળે વળે ઘટાળ મૂચ્છ નીંદને ઉડાડવા,
કરી વિને ભુજંગના કહાન બાળ વાળતાં,
નદી મહી કુદી પ્રભો ભુજંગને ભગાવતાં...||૨||
જતાં જનો નદી તટે મરે ધરી મુખે જલા,
ન બથ્થ ભીડતું તહીં સહી રહે બધું ભલા,
કટી કસી ધમાલ કાન ત્રાડ સિંહ પાડતાં,
નદી મહી કુદી પ્રભો ભુજંગને ભગાવતાં...||૩||
ન ગામ એવુ કો' નથી લડે લડે ભુજા ભરી,
રહે સહે ડરી જના પ્રકોપને મને ધરી,
કરી બહાદુરી લડાઈ જુદ્ધ ઝંપલાવતાં,
નદી મહી કુદી પ્રભો ભુજંગને ભગાવતાં...||૪||
ફુફાડતો ભુજંગ ફેણ ક્રોધ લાલચોળથી,
ડરે છતાં મુખે ધરે અપૂર્વ હામ ડોળથી,
ઝુકે નહીં સમર્થ એકમેકને મથાવતાં,
નદી મહીં કુદી પ્રભો ભુજંગને ભગાવતાં...||૫||
કરે પ્રહાર ફેણમાં ભરેલ ઝેર ક્હાનપે,
કરે પ્રહાર મુષ્ટિ ક્હાન શ્યામ નાગ વાનપે,
ધરા હલે હલે ત્રિભોમ ત્રાડ જે ગજાવતાં,
નદી મહીં કુદી પ્રભો ભુજંગને ભગાવતાં...||૬||
પ્રચંડ ચંડ ભંગ ચૂર છે ઘમંડ નાગનું,
ધરી સ્વરૂપ કૃષ્ણએ ઝનૂન એવુ વાઘનું,
ફલાંગ મસ્તકે કરી ફણી તળે દબાવતાં,
નદી મહીં કુદી પ્રભો ભુજંગને ભગાવતાં...||૭||
વિને વિને ભુજંગના ક્ષમા કરો ક્ષમા કરો,
ન ઓળખ્યાં પ્રભો અમે મને જરા દયા ભરો,
કહી ભુજંગ વંશ સૌ શુભત્વ તત્ત્વ પાવતાં,
નદી મહીં કુદી પ્રભો ભુજંગને ભગાવતાં...||૮||
*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*
Tuesday, 26 September 2017
છંદ
Labels:
ભાવીન દેસાઈ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment