ચાહવાની વાત કર મા,
એ નશાની વાત કર મા !
આવી ના શકશે તું પાસે ,
આંબવાની વાત કર મા !
વાત ગમતી એક બે કર,
અણગમાની વાત કર મા !
કરવી હો તો મારી તું કર!
તું બીજાની વાત કર મા !
આવી છે તો રહેવું પડશે !
તું જવાની વાત કર મા !
મુક્ત રહેવાનું ગમે, તું
બાંધવાની વાત કર મા !
શેરિયત આવે એ જો, માત્ર
કાફિયાની વાત કર મા !
ચિંતા ક્યાં પર્યાવરણની ?
તું ધરાની વાત કર મા !
સાચવીને રાખજે દિલ ,
તોડવાની વાત કર મા !
- હેમંત મદ્રાસી
No comments:
Post a Comment