પ્યાસને તૃપ્તિના સાગરમાં જે ઝબકોળી શકે,
એ જ રણના મનસૂબાને ધૂળમં રોળી શકે.
હું અગર ખોવાઈ જાઉં ખુદબખુદ નિજ ખોજમાં,
છે ફકત એકજ ખુદા કે જે મને ખોળી શકે.
જુલ્ફ કેળા વળ સમી છે ભાગ્યની ગુંચો બધી,
માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
એટલે તો સાચવ્યા નિ:સ્વાર્થ આંસુ દિલ મહીં,
ભૂલથી ના એને જગનું ત્રાજવું તોળી શકે.
શૂન્ય આજે તો જગતને એ કવિની છે જરૂર,
શબ્દની પ્યાલીમાં દિલની આગ જે ધોળી શકે.
- શૂન્ય પાલનપુરી
No comments:
Post a Comment