Thursday, 12 October 2017

ગીત

शाम-ए-महेफिल !

ઉથલાવવાની રાતો; દિવસોને વાંચવાના,
ફાટેલ ક્ષણ લઇને; યુગોને સાંધવાના !
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના !

સાચું બિછાનું અહીંયા કોને નસીબ થાતું ?
ઇચ્છાઓ પાથરીને સપનાઓ ઓઢવાના…
આ જીંદગી જ…

જે આપણે ચહ્યું’તું એ આ કશું તો નહોતું,
જે આપણે ચહ્યું’તું એ ક્યાં જઇને ગોતું
ખોટી પડી હકીકત સાચા પડ્યા બહાના…
આ જીંદગી જ….

શું આપણી ભીતરથી ધ્રુસકે ને ધ્રુસકે રોતું ?
શું આપણી ભીતરથી ઉખડ્યું છે મૂળસોતું !
મુળિયા વગરના સંબંધ કાયમ ઉછેરવાના…
આ જીંદગી જ….

નજદીક સાવ તો પણ અંતર વચાળે અંતર
નજદીક સાવ તો પણ રસ્તા રહ્યા સમાંતર
રસ્તાઓ જ્યાં અલગ ત્યાં પગલા શું જોડવાના ?
આ જીંદગી જ….

ખુદને અને પરસ્પર મળતા’તા બેઉ નોખું
સહવાસ લાગે ઝળહળ બળતા’તા બેઉ નોખું.
પોતે સળગતા હો એ બીજું શું ઠારવાના ?
આ જીંદગી જ….

સરખા હતા એ દ્રશ્યો જોતા’તા બેઉ નોખું
વાતાવરણ તો એક જ, શ્વસતા’તા બેઉ નોખું,
અંદરથી સાવ નોખા, બહારે શું તાગવાના ?
આ જીંદગી જ….

રાતો ભરે છે હીબકા દિવસો રડે છે છાના,
હસતી ક્ષણોના ખાલી ફોટા જ પડવાના !
આ જીંદગી જ છે કે છે ડાયરીના પાના !

– ડૉ. મનોજ જોષી ‘મન’

No comments:

Post a Comment