Wednesday, 25 October 2017

ગઝલ

ઘનઘોર ઘેરાયું સઘન આકાશ આખર ઊઘડે;
કૂંચી ફરે, તાળાં ખૂલે ને શબ્દનું ઘર ઊઘડે !!

પહેલી પ્રથમ આંખો ફૂટી હો એમ અંતર ઊઘડે;
કમલ જ નહીં આખું સ્વયં જાણે સરોવર ઊઘડે!

આ શ્વાસ ને ઉચ્છવાસ સાથે કોણ મંથર ઊઘડે;
જન્મજન્માંતર બધા આ થર પછી થર ઊઘડે !

રેલાય કેવળ એકઘારો સ્વર મધુર આરંભનો;
કોની પુરાતન ઝંખના આ દ્વાર જાજર ઊઘડે !

ઊભો સમય સ્થિર આંખમાં થંભી ગઈ સૌ પરકમા;
હું ઊઘડું અંબર ઉપર સામે ચરાચર ઊઘડે !
– 'રાજેન્દ્ર' શુક્લ

No comments:

Post a Comment