Thursday, 12 October 2017

ગઝલ

ખરે છે રોજ ઉલ્કાપાત જેવો પ્યાર મારામાં
વહે છે ધોધ જેવી યાદ ભારોભાર મારામાં

જુઓ ચારે દિશાઓથી પડ્યા છે આપના પગલા,
પડી જ્યાં આપની દ્રષ્ટિ, થયો આકાર મારામાં

હવે ના હોશ છે, ના ખેદ છે, ના મોહ છે દિલને,
નજરમાં આપ છો તો છે સકળ સંસાર મારામાં

તપીને ઝાઝવા યે  રેતમાં આળોટવા લાગ્યા,
તમે તો પાથરી પીડા, કર્યો સંચાર મારામાં

નદી,આકાશ,ધરતી,વૃક્ષ, ને વરસાદ મારું ઘર,
તમે વરસી ગયા ને થઇ ગયો વિસ્તાર મારામાં

કહે છે આ જગત પાગલ, કદી આશીક યા શાયર,
ખુદા જેવો કરું છું રોજ હું દીદાર મારામાં
...............વર્ષા પ્રજાપતિ ઝરમર

No comments:

Post a Comment