Monday, 23 October 2017

ગઝલ

નવું વરસ.     

નવા સવાલ ના જવાબ આપશે નવું વરસ
જતા જતાં ય હાસ્ય કિલકારશે નવું વરસ

નવો ઉમંગ ,નવો ઉછાળ લાવશે નવું વરસ
ને સ્મિત સાથ આંખ મિચકારશે નવું વરસ

નવીન આશના લઇને પધારશે નવું વરસ
સદાયે રાહ તું નવી બતાવશે નવું વરસ

નવા વિચાર સંગ બસ નવી સફર શરુ કરુ
વિકાસની નવી દિશા બતાવશે નવું વરસ

કઠીન પંથ છે  અહીં, કદમ ઉઠાવજે  જરા
  તો શક્યતા ના બારણાં ઉગાડશે નવું વરસ

નવી સવાર આજ બાગમાં બહાર લાવશે
ગુલાબ લાગણી તણા ઉગાડશે નવું વરસ

નવી કલમ ,નવાજ છંદપ્રાસ માં લખું ગઝલ
જરાય ભૂલ થાય તો મઠારશે નવું વરસ

ભારતી ગડા

No comments:

Post a Comment