Tuesday, 7 November 2017

ગઝલ

તરસે તરસ્યા તળાવ વીણી ફાંટ ભરો એ ઠીક નથી,
તમે અમારી તરસ વિષે કૈં વાત કરો એ ઠીક નથી.

ખરવું હોય તો હાલ ખરો ઓ પીડ ભરેલા પત્તાઓ,
અગન ભરેલા આંગણીયામાં રોજ ખરો એ ઠીક નથી.

ધરવું હો તો મારી માફક આંખો ફાડી ભરો તમે,
ગળા લગોલગ ગાંજો પીને ધ્યાન ધરો એ ઠીક નથી.

અમે અમારી પાંસળીઓમાં પથ્થર ખડકી દીધા છે,
તમે રંજનો રેલો થઈને ત્યાંય ફરો એ ઠીક નથી.

દ્વંદ્વ ભરેલી દ્રષ્ટિ માથે ડહોળાયેલા દ્રષ્યો પટકી,
તમે ઉકળતા અંધારાની ઊંઘ હરો એ ઠીક નથી.

- ચંદ્રેશ નારાજ

No comments:

Post a Comment