સદરહુ લોહીથી સઘળું લખાવ, બાબતમાં
બયાન પથ્થરે માંગ્યું છે ઘાવ બાબતમાં
પ્રવાસી ગૂમ થવાના બનાવ બાબતમાં
કશુંક જાણે છે ૨સ્તો, પડાવ બાબતમાં
વિચારીએ હવે તો બસ, બચાવ બાબતમાં
વિલાપ વ્યર્થ છે ડૂબેલ નાવ બાબતમાં
સહજ છે મૌન નદીનું એ વાવ બાબતમાં
અહો !અહો ! જે કરે છે તળાવ બાબતમાં
અમે લચી પડી શાખા સ્વભાવ બાબતમાં
તમારા તાડ શા તેવર ઝુકાવ બાબતમાં
સરળ છે આમ તો પર્વત,ચઢાવ બાબતમાં
ઉતરવું અઘરું છે જો કે લગાવ બાબતમાં
બધાને માટે છું એક જ હું ભાવ બાબતમાં
અલગ છું વ્યક્તિ પ્રમાણે વટાવ બાબતમાં
- પંકજ વખારિયા
No comments:
Post a Comment