ગઝલ
ભાવ ઘેલા હું અને તું બે જણા સામા મળ્યા
સાવ ઓરા સામ સામે સાજણા સામા મળ્યા.
આંખને ગમતું મળે તો કેટલાં રાજી થવું??
નર્તકિનાં નર્તની ઓવારણાં સામા મળ્યા.
કાળ ઝાળે આગ ઝરતાં સૂર્યનો તડકો તપે
ને અચાનક વાયરાનાં વિન્ઝણા સામા મળ્યા.
સાવ ભૂલ્યા ભટકતા કો' આદમીને એકદમ
ગાઢ ઘેરાં અંધકારે બારણાં સામા મળ્યા.
પુત્ર વાંછું એષણાઓ સેવતી હર દમ બ દમ
વાંઝણી સ્ત્રી ને ય જાણે પારણાં સામા મળ્યા.
શીલા મહેતા (શબ્દ શિલ્પી)
No comments:
Post a Comment