નવી ગઝલ
ઘણી કોશિશ કરી, પણ તોય ક્યાં લાગે છે ઝળહળતા મને,
સિતારાઓ સતત દેખાય છે પીડાથી ટળવળતા મને.
અરે! વર્ષોની પ્રામાણિક મહેનતનું છે આ પરિણામ, ભૈ!
નથી કૈં એમ ને એમ જ મળી ગઈ સાવ નિષ્ફળતા મને.
હસો નૈં મારી સુંવાળપ ઉપર ઓ પથ્થરો! તૂટી જશો,
ભૂલો નૈં કે મળી છે વારસામાં ખૂબ કૂંપળતા મને.
ઊભા છે મોં વકાસી બારણે હાલત આ મારી જોઈ, એ;
હરખથી આપવા આવ્યા’તા જે પોતાની ચંચળતા મને.
નિચોવી નાખ્યો એ પર્વત કે નીકળતી હતી જ્યાંથી નદી,
છતાં પણ આંખ અંદર કેમ ઝરણાં લાગે ખળખળતાં મને?
મને તરછોડવાના કામમાં બહુ વ્યસ્ત લાગો છો તમે!
ઉતાવળ હોય તો નીકળો પછી મળતા જજો વળતા મને.
- અનિલ ચાવડા
No comments:
Post a Comment