તોફાનમાં તૂટી ગયેલું એક ઘર મારુંય છે,
અવસર ઘણા ચૂકી ગયેલું એક ઘર મારુંય છે.
સામર્થ્ય જોઈને તમે શું કામ ના પાછા ફર્યા,
આરંભમાં અટકી ગયેલું એક ઘર મારુંય છે.
થોડાક છાયા, ક્યાંક તડકા, ને અછડતા સ્વપ્નથી,
સંપૂર્ણતા ચૂકી ગયેલું એક ઘર મારુંય છે.
એ બાળપણ, સક્ષમ યુવાનીને અધૂરા અંતમાં
પ્રારબ્ધથી ભટકી ગયેલું એક ઘર મારુંય છે.
બે ચાર ઈંટો પર કશું ક્યાં છાપરા જેવું બચ્યું,
બસ, મોભને મૂકી ગયેલું એક ઘર મારુંય છે.
હાર્દિક પંડ્યા 'હાર્દ'
No comments:
Post a Comment