Thursday, 15 March 2018

ગઝલ

પર્વતો નીચે નમી શકતાં નથી
કે નશામાં લડખડી શકતાં નથી

કોતરેથી દર્દનું ફૂટે ઝરણ
બાથમાં વાદળ ભરી શકતા નથી

આવરણ ઓઢે બરફનું એ ભલે,
મીણ જેવાં પીગળી શકતાં નથી

મેઘ બારે એ ભલે ખાંગા કરે,
છબછબીયા તો કરી શકતાં નથી

સૂર્યનું પ્હેલું કિરણ એને ચૂમે,
લ્હેર સાગરની ચૂમી શકતાં નથી

શિખરે લાવા લપકતો હોય પણ,
કાંચળીને ખુદ ત્યજી શકતાં નથી

શ્વાસ ફૂંકીને ધજા ફરકાવશે,
પણ હવાને કરગરી શકતાં નથી

પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'

No comments:

Post a Comment