ગીત
ચિંતન કરવામાં રાતોની રાતો છે અજવાળી,
મારી વિચારધારાને મેં ના પરંપરામાં ઢાળી.
પગલાં પાછળ પગલું મૂકો, કોઈ કહે તો નાજી,
સમજણ નામે લહેરાણી છે આતમમાં વનરાજી,
કોઈ અલગ કેડીને ઝંખું હોય ભલે કાંટાળી,
મારી વિચારધારાને મેં ના પરંપરામાં ઢાળી.
બુદ્ધિને મંત્રેલા દોરા-ધાગા ના પહેરાવ્યા,
શુભ-લાભના ચોઘડિયે ના અવસરને બોલાવ્યા,
પોથીમાંના રીંગણ જેવી રૂઢિઓને ન પાળી,
મારી વિચારધારાને મેં ના પરંપરામાં ઢાળી.
દૃષ્ટિ ઉછીની લઈ કોઈની નથી જગતને જોયું,
મેં સમયની નજર ચૂકાવી નથી જીવનને પ્રોયું,
વિવેક બુદ્ધિથી સારપને સ્વયં લીધી છે ચાળી,
મારી વિચારધારાને મેં ના પરંપરામાં ઢાળી.
જિજ્ઞા ત્રિવેદી ૧૫/૦૩/૧૮
No comments:
Post a Comment