નથી,નથી...
તું નથી તો શું નથી-ની ધારણાઓ પણ નથી
આંખ છે પણ આંખમાં એ સ્વપ્ન કેરું રણ નથી.
હા, હથોડી-ટાંકણું લઇને ઘડે એ જણ નથી
હું ઘડું મુજને કદી પણ એટલી સમજણ નથી.
દાંત દીધાં એ જ દેશે ચાવવાનું એ ખરું,
ના, નથી હાથીને મણ ને ત્યાં કીડીને કણ નથી.
સૂર્ય સંતાયો હવે તો રાત કેરી ઓઢણીમાં
પાદરે ગોવાળ સહ આવી રહેલું ધણ નથી.
બ્હારથી અકબંધ છે પ્રત્યેક જણ આ વિશ્વમાં
કોઈ દેખી જાય એવાં દૂજનારાં વ્રણ નથી.
તું દુ:ખી છે એકલો એવું સમજ માં જીવલા,
લાખ છે આ જગ મહીં તો...એક,બે કે ત્રણ નથી.
ડંખ દેશે તો જશે એ જીવ તારો લઈ અને,
સ્વપ્ન છે,આ સ્વપ્ન છે,કંઈ આંધળી સાપણ નથી.
કોણ છું?એ કોઈ જાણી ના શક્યું છે આજ લગ,
સત્ય કડવું કહી શકે એવું અહીં દરપણ નથી.
હું નથી - તો શું નથી-ની ધારણાઓ પણ નથી
ના નથી,ના - ના નથી, એ પણ નથી, આ પણ નથી.
- અનિલ વાળા
No comments:
Post a Comment