Tuesday, 12 June 2018

ગઝલ

:::::::::  માંગણ  ::::::::

મૂળસોતો છે માણસ તોયે લોક કહે છે માંગણ.
કદી-કદા એ આવી જાતો અણબોલાવ્યો આંગણ.

કથળી ગે'લી ચાલ,અંગ પર જળી ગયેલો ઝભ્ભો.
જનમારાનો ભાર ઉપાડી ઢળી ગએલો ખભ્ભો.

ચાસ પડેલા  ચહેરા  ઉપર જીવતરનો ઝુરાપો.
તેમ છતાં કૈં શોધ્યા કરતી ચકળવકળ બે આંખો.

વર્ષોનો ખાલીપો એની આસપાસ અટવાતો.
બોખા મોંઢે તોય ખુશીના ગીત સતત એ ગાતો.

કાયા નામે  કાટમાળમાં ચોંટી ગે'લું પેટ!
કયા અભરખે જીવવા માટે કરી રહ્યો એ વેઠ?

કદી-કદા એ આવી જાતો અણબોલાવ્યો આંગણ.
મૂળસોતો છે માણસ તોયે લોક કહે છે માંગણ.

- તુરી રાહુલ.ઝીલ

No comments:

Post a Comment