કહો તો હમસફર થઈશું , કહો તો રાહબર થઈશું,
ઘડી કે બે ઘડી માટે નહીં પણ ઉમ્રભર થઈશું.
થવાનું જે તમે કહેશો અમે બસ એજ થઈશું ને,
તમારા શબ્દ સામે શબ્દ પણ બોલ્યા વગર થઈશું.
હશે ઈચ્છા તમારી તો જ બોલીશું અમે કંઈ પણ,
ખબર અમને બધી હોવા છતાં પણ બેખબર થઈશું.
તમે તરછોડતા રહેશો તો વહેલા નાશ પામીશું,
તમે અપનાવશો ત્યારે અજર થઈશું, અમર થઈશું.
વરસતાં દૂર અનરાધાર તમને જોઈને 'આતુર',
અમે ભીંજાઈ રણના ઝાંઝવામાં તરબતર થઈશું.
- બાબુલાલ ચાવડા 'આતુર'
No comments:
Post a Comment