ધ્રૂજે દિશાઓ એવો લલકાર જોઈએ,
પ્રત્યેક શબ્દમાં રણટંકાર જોઈએ.
ગજનાદ હો કલમમાં ને ટેરવામાં ચીસો,
છાતીમાં દોટ દેતા તોખાર જોઈએ.
અત્તરની બોટલમાં રસ સ્હેજ પણ નથી,
ચોખ્ખી છે વાત આપણે આકાર જોઈએ.
નહિતર પ્રકાશની કશી કિંમત રહે નહીં,
દીવાની નીચે થોડો અંધાર જોઈએ.
દુશ્મનના રથ ઉપર પણ હો આપની કૃપા,
ઘમસાણ યુદ્ધ વચ્ચે પણ પ્યાર જોઈએ.
હા, બૂંગીયાની ઘટના અહીં પણ બની શકે,
મહેફીલમાં એટલે તો પરમાર જોઈએ.
- સ્નેહી પરમાર
No comments:
Post a Comment