Thursday, 14 June 2018

ગીત

ગીત
0
રવીન્દ્ર પારેખ
0
કોઈ ફેરવે ઝારી...
ધરતીનાં રૂંવેરૂંવાને પળમાં દે છે ઠારી...
ક્યાંકથી સોડમ ઊઠે,ઊંડે આળસ મરડે ઘાસ,
આકાશે ડમરું બજવીને ધ્રૂજવે કો' કૈલાસ,
ઝાડપાન સઘળું અવતારી કોઈ ભરે છે ક્યારી...
આખું આ આકાશ ભરેલી હાંડી જેવું છલકે,
પિચકારી છોડી કૈં વાદળ હાથી જેવું ધમકે,
જળ પણ એવું વાગે જાણે ઘોંચે કોઈ કટારી...
મન એવું ઊડે કે પૃથ્વી બ્હાર પ્હોંચવા ધારે,
પણ ત્યાં વાદળ જેવું ના કૈં તેથી મન એ મારે,
જળ ના હો ત્યાં નીંદર કેવી,જળ હો ત્યાં જ પથારી...

ગીત
0
રવીન્દ્ર પારેખ
0
રોજ સવારે ઊઠવાનું ને રોજ રાતના મરવાનું,
એમાં આવી જાય તમારું કે મારું જીવવાનું,
તેય આવડ્યું નહીં...
કોઈ એકને ચાહી તેમાં દુનિયા બહાર મૂકાયો,
ને જગને ચાહ્યું તો સાલો ઘરની બ્હાર સૂકાયો,
ખબર હતી કે ઘરમાં રૈને ઘરની બહાર જવાનું,
તે ય આવડ્યું નહીં...
જીવવાનો દોરો ય કોઈને ફિરકે ના વીંટાયો,
સીધેસાદે રસ્તે પણ બેફામ બની ફંટાયો,
કહ્યું હતું કે ચાલ્યા કર તું,ક્યાંય નથી વળવાનું,
તે ય આવડ્યું નહીં...
જળ જેવા આ જળને કોણે ઝાકળ-વાદળ કીધું?
લોહી હતું તેનું પણ કો'કે આંસુ બનવી પીધું,
આમ રમતથી અળગા રૈને સ્હેજ હતું રમવાનું,
તે ય આવડ્યું નહીં...
0

No comments:

Post a Comment