Wednesday, 6 June 2018

ગઝલ

બાદબાકી બાદ

શબ્દને છોલીને અણિયાળા કર્યા
ને કલમમાં ખોસીને કાળા કર્યા

છંદ જાળવવા હતા માટે જ તો
એક સરખા ખેતરે ગાળા કર્યા

લોહીયાળા શબ્દને ભેગા કરી
ખેતરે લ્હેરાવી હરિયાળા કર્યા

પંખીઓ કલરવ કરે ડાળો ઉપર
શબ્દએ પર્ણો ઉપર માળા કર્યા

ભીંજવી ઝાકળમાં ઠંડા પ્હોરમાં
શબ્દને તાવીને હુંફાળા કર્યા

કોચલામાં શબ્દ જે પૂર્યા હતા
કોચલું ફાડીને પરવાળા કર્યા

મેં કહી દીધી ગઝલ છંદો વગર
મ્હેફિલે મિત્રોએ હોબાળા કર્યા

રોકવાને લાગણીના પૂરને
પાંપણોના આંખ પર પાળા કર્યા

તોય ભેળાઈ ગયું ખેતર, કહો
ચાડિયાએ કેટલા ચાળા કર્યા

પ્હાડ પાણી થઇ વહે દરિયા ભણી
એટલા માટે નદી નાળા કર્યા

શૂન્ય સરવાળે વઘ્યું છે શેષમાં
બાદબાકી બાદ સરવાળા કર્યા

- હરિ શુક્લ

# સૂચનોની અપેક્ષા

No comments:

Post a Comment